શિક્ષણના નામે લુંટ, પેપરલીક, પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસ લાલધુમ

શિક્ષણ વ્યવસ્થામાં આમુલ પરિવર્તન લાવવા તેમજ વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ યોજવાની કોંગ્રેસના નેતાઓની જાહેરાત

શિક્ષણના નામે લુંટ, પેપરલીક, પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસ લાલધુમ

જૂનાગઢ તા. 24
જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે ગઈકાલે કોંગ્રેસની પ્રદેશ કક્ષાની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં વર્તમાન સમયમાં શિક્ષણનાં નામે થતી ઉઘાડી લુંટ, પેપરલીક અને પરીક્ષા કૌભાંડો આચરવામાં આવતો હોવાનાં બનાવો સામે આવી રહયા છે. ત્યારે શિક્ષણ વ્યવસ્થામાં આમુલ પરિવર્તન લાવવા તેમજ વિદ્યાર્થીઓ-યુવાઓનાં અવાજને બુલંદ કરવા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા છાત્ર ગુંજ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગઈકાલે  યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં ઉપાધ્યક્ષ જાગૃતિબેન આહીર, સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જાેષીની ઉપસ્થિતીમાં યોજાયેલી પત્રકાર પરીષદમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનોએ ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનારા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમોની વિગત આપતા જણાાવ્યું હતું કે, શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમ્યાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET  પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી. આજે લાખો યુવાનો પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સરકાર તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ દેખાતી નથી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોના પ્રશ્નો, પીડા અને આક્રોશનો અવાજ બન્યા છે. તેમણે રાજસ્થાનના કોટા ખાતે યોજાયેલા ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો અને પરીક્ષા પદ્ધતિ, શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનોના ભવિષ્ય અંગે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરી. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચનો અંદાજ જોતાં માત્ર NEET પરીક્ષાની તૈયારી પાછળ જ આશરે રૂ. 1.32 લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. કોચિંગ ક્લાસીસ, હોસ્ટેલ, પુસ્તકો, રહેવા-જમવા અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે.
ભારતમાં NEET, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક તથા અન્ય મહત્વની પરીક્ષાઓની તૈયારી પાછળ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવતો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો હોવાનું માનવામાં આવે છે, જે કેન્દ્ર સરકારના ર્વાષિક શિક્ષણ બજેટ કરતાં અનેક વધારે છે. આ આંકડો દર્શાવે છે કે દેશના પરિવારો શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલું મોટું આર્થિક રોકાણ કરે છે, દેશના વિવિધ ભાગોમાં તથા ગુજરાતમાં પણ પરીક્ષા સંબંધિત તણાવના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કર્યાના બનાવો સામે આવ્યા છે. કોંગ્રેસનાં પ્રદેશનાં નેતાઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા, પરીક્ષા વ્યવસ્થામાં પારદશિર્તા, પેપર લીક અને ભરતી કૌભાંડ સામે કડક કાર્યવાહી તેમજ શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટને રોકવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ સતત લડત આપતી રહેશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો, ફરિયાદો અને શિક્ષણ વ્યવસ્થાને લગતી ચિંતાઓને વાચા આપવામાં આવશે. જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત રીતે ઉઠાવી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.