શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ૧.૪૩ લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ભાવવિભોર બન્યા
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૮
શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ગઈકાલે સોમવારે સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકો ઉમટી પડયા હતાં. ૧.૪૩ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી અને ભાવવિભોર બન્યા હતાં. ગત વર્ષની સરખામણીએ યાત્રી પ્રવાહમાં બમણો વધારો થયો હતો. આ સાથે જ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ૯૧ ધ્વજાપૂજાનો વિક્રમ નોંધાયો હતો. આ ઉપરાંત ગઈકાલે સોમવારે ૭૩ મહાપૂજા યોજાઈ હતી. તેમજ મહામૃત્યુંજય યજ્ઞમાં પ૭ હજારથી વધુ આહુતિઓ અપાઈ હતી. તેમજ ૯૩૭ રૂદ્રાભિષેક અને ૩ર પાઠાત્મક લઘુરૂદ્ર યોજાયા હતાં. આ સાથે જ હર હર મહાદેવ હર.. અને જય સોમનાથ.. ના નાદથી પ્રભાસ તિર્થ ગુંજી ઉઠયું હતું. મદ્યરાત્રીથી દર્શન માટે ભકતોની લાંબી કતારો રહી હતી. સવારે ૪ વાગ્યે મંદિરનાં દ્વાર ખુલતા ભકતોનો ભારે ઘસારો રહયો હતો. પાલખી પૂજા અને પાલખી યાત્રાથી શ્રાવણનાં પ્રથમ સોમવારનો ભકિતભાવ ભર્યો પ્રારંભ થયો હતો. પૂજન, પૂણ્ય અને પરમાનંદનો અલૌકીક માહોલ છવાયો હતો. સાંજે ભગવાન સોમનાથ મહાદેવની આરતીમાં પણ ભાવિકો ઉમટી પડયા હતાં.


