જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં NCC આર્મી કેડેટની પસંદગી, ૧૦૦માંથી ૩૨ વિદ્યાર્થીઓ સિલેક્ટ

શારીરિક ક્ષમતા, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટના આધારે પસંદગી; આઠ ગુજરાત બટાલિયન NCCના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં NCC આર્મી કેડેટની પસંદગી, ૧૦૦માંથી ૩૨ વિદ્યાર્થીઓ સિલેક્ટ

જૂનાગઢ, તા.૦૭
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NCC આર્મી કેડેટની પસંદગી પ્રક્રિયા તાજેતરમાં યોજવામાં આવી હતી. આ પસંદગી પ્રક્રિયા દરમિયાન આઠ ગુજરાત બટાલિયન NCC, જૂનાગઢના કર્નલ મનદીપ તેમજ પી.આઈ. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના NCC ઓફિસર લેફ્ટનન્ટ ડૉ. રાજીવ ડાંગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ બી.એ.ના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ NCCમાં જોડાવા માટે અરજી કરી હતી. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ તેમાંથી કુલ ૩૨ વિદ્યાર્થીઓની NCC આર્મી કેડેટ તરીકે પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની પસંદગી માટે શારીરિક ક્ષમતા, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ સહિતના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હવે NCC અંતર્ગત વિવિધ તાલીમ અને પ્રવૃત્તિઓમાં જોડાશે.
NCCમાં વિદ્યાર્થીઓને શિસ્ત, સમયપાલન, વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ, એડવેન્ચર એક્ટિવિટી અને સામાજિક સેવા સહિતના ક્ષેત્રોમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત NCCના ‘B’ અને ‘C’ સર્ટિફિકેટ મેળવનારા કેડેટ્સને આર્મી, વન વિભાગ, પોલીસ અને અર્ધસૈનિક દળ સહિતની કેટલીક ભરતી પ્રક્રિયામાં નિયમો અનુસાર વધારાના ગુણનો લાભ મળતો હોવાનું જણાવાયું હતું. આ વિવિધ તકો અને તાલીમને કારણે વિદ્યાર્થીઓમાં NCC પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે.
પસંદગી પ્રક્રિયા દરમિયાન કોલેજના આચાર્ય ડૉ. જે.આર. વાંઝા, પ્રાધ્યાપક ડૉ. પી.વી. બારસિયા અને NCC નેવલ ઓફિસર લેફ્ટનન્ટ ડૉ. દિનાબેન લોઢિયાએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.