જૂનાગઢ મનપાએ જર્જરીત ઈમારતોને નોટીસ સિવાય કોઈ કાર્યવાહી કરી નથી...

જર્જરીત ઈમારતોને નોટીસ મોકલ્યા બાદ કેટલી ઈમારતો પડી કે પાડી તેની આજદિન સુધી કોઈ કાર્યવાહી જાેવા મળતી નથી : લોકોમાં ચર્ચાતો સવાલ

જૂનાગઢ મનપાએ જર્જરીત ઈમારતોને નોટીસ સિવાય કોઈ કાર્યવાહી કરી નથી...

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ શહેરમાં સંખ્યાબંધ  ઈમારતો જર્જરીત બની ગયેલી છે અને બંધ પડેલી અને ખુબજ ખરાબ હાલતમાં રહેલી આવી ઈમારતોનાં ભયજનક બાંધકામો કોઈ ગંભીર અકસ્માત સર્જે તે પહેલા કોર્પોરેશન દ્વારા આવી ઈમારતોને ઉતરાવી લેવા માટેની  કામગીરી કરવાની તાતી જરૂરીયાત રહેલી છે. માત્ર નોટીસો આપવાથી કોર્પોરેશનનું  કામ પુરૂં થઈ નથી જતું પરંતુ  તેની સામે અસરકારક પગલા ભરવાની જરૂર છે. પરંતુ કોર્પોરેશન આવી કામગીરી કયારે પુરી કરશે? તેવો સવાલ ચર્ચાઈ રહયો છે.
ચોમાસુ શરૂ થવાનું હોય તે પહેલા દરેક શહેરોમાં મનપા તંત્ર,  જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની પુર્વ તૈયારીનાં ભાગરૂપે રસ્તા ઉપરનાં બોર્ડ દુર કરવા, વૃક્ષોની ડાળીઓ દુર કરવી, વોકળાની સફાઈ સહીતનાં અનેક પગલા લેવામાં આવતા હોય છે પરંતુ  જૂનાગઢ મનપા દ્વારા  પ્રિમોન્સુનની કામગીરી કેટલે પહોંચી છે તે અંગે કોઈ જાતની જાણકારી નથી. ચોમાસામાં ભારે વરસાદ કે ભારે વાવાઝોડાનાં સમયે દિવાલો, મકાનો ધસી જવા, વૃક્ષો ધરાશયી થવા સહીતની  વિવિધ આપતિઓનાં સમયે દુર્ઘટનાં ઘટતી હોય છે અને તે અંગેની અગમચેતીની તૈયારી અગાઉથી કરી લેવામાં આવતી હોય છે. આ સિવાય પણ ભયજનક હાલતમાં આવેલા બિલ્ડીંગો, મકાનો પણ ઉતરાવી લેવા જાેઈએ જેથી અમંગળ ઘટના કે અકસ્માત ન સર્જાઈ, હવે જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં વર્ષો જુની ઈમારતો, મકાનો સંખ્યાબંધ  આવેલા છે. કેટલીક ઈમારતો એવી છે કે જયાં ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. ઉપરાંત જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષો થયા બંધ હાલતમાં રહેલા મકાનો, ઈમારતોની પણ ઘણી સંખ્યા છે. કોર્પોરેશન દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલી ભયજનક બિલ્ડીંગ, મકાનોનો સર્વે કરવામાં આવે તો તેનંુ લાંબુ લીસ્ટ બને તેમ છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ શહેરમાં કેટલી ઈમારતો ભયજનક છે?  તેનાં બાંધકામનાં આયુષ્ય અંગે પણ ચકાસણી કરી લેવાની જરૂર છે. ઉપરાંત જર્જરીત અને ભયજનક ઈમારતોને વહેલી તકે ઉતરાવી લેવાની કામગીરી પણ કરવાની જરૂર છે. એક અંદાજ અનુસાર શહેરમાં સંખ્યાબંધ ઈમારતો આજે ભયજનક સ્થિતીમાં રહેલી છે. આવી ઈમારતો ગમે ત્યારે તુટી પડે તેવો ભય રહેલો છે. જૂનાગઢમાં બિલ્ડીંગ, મકાનોનાં મલબા પડી જવાનાં બનાવો બનેલા છે જ અને જાનહાની પણ થઈ છે તેમજ ગંભીર રીતે ઈજાઓ પામવાનાં પણ બનાવો બન્યા છે. આવી ઘટનાં ફરીવાર ન બને તે માટે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ફકત  નોટીસ આપી દીધી છે તેમ કહી આગળની કાર્યવાહી કરી ન હોવાની પણ અનેક ફરીયાદો રહેલી છે. કેટલાક મકાનો જે ખંડેર જેવા બની ગયા છે અને ગમે ત્યારે પડી શકે છે અથવા તો  ઘણા બાંધકામો, ઈમારતો હાલ ખાલી પડી છે. જયાં માનવ વસ્તી ન હોય તેવા પણ બાંધકામો છે. મકાન બંધ હોય તો તેના દરવાજે નોટીસ ચીપકાવી દીધી હોવાનાં બનાવો પણ બનેલા છે. જયારે પણ કોઈ મકાન કે ઈમારત પડવા બાબતની બને ત્યારે કોર્પોરેશન દ્વારા એવો જવાબ આપવામાં આવતો હોય છે કે, અમે તો નોટીસ આપી હતી, આવો જવાબ એ કોઈ જવાબદારી નથી. ચોમાસાનાં દિવસો નજીક આવી રહયા છે.  ત્યારે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ભયજનક મકાનો, ઈમારતો અંગે નોટીસ આપવાથી લઈ વહેલી તકે ઈમારતો ઉતારી લેવાની નિયમ મુજબ સુચના આપવામાં આવી હોય અને મુદત વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય ત્યારે આવી જર્જરીત અને ભયજનક બાંધકામો ઉતારી લેવાની કાર્યવાહી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવાની માંગણી ઉઠવા પામી છે. અત્રે એક બાબત યાદ આપવીજ રહી કે જૂનાગઢ શહેરમાં કેટલીક જગ્યાએ તો સતત અવરજવર લોકોની રહેતી હોય તેવા સ્થળે પણ ઘણી ઈમારતો ખુબજ ખરાબ હાલતમાં રહેલી હોવાનું બહાર આવેલ છે. અંતમાં તંત્ર દ્વારા શહેરમાં આવેલી ભયજનક ઈમારતો કોઈ અકસ્માત સર્જે તે પહેલા વહેલી તકે પગલા ભરવા માંગણી ઉઠવા પામી છે.