સુપ્રસિધ્ધ ઢોલકવાદક મીર હાજી કાસમ (હાજી રમકડુ) પદમશ્રી એવોર્ડથી સન્માનીત

સુપ્રસિધ્ધ ઢોલકવાદક મીર હાજી કાસમ (હાજી રમકડુ) પદમશ્રી એવોર્ડથી સન્માનીત

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઢોલકવાદક મીર હાજી કાસમ (હાજી રમકડુ) પદમશ્રી એવોર્ડથી સન્માનીત કરવામાં આવતા જૂનાગઢ સહીત ગુજરાતભરના સંગીતપ્રેમીઓમાં અને હાજી રમકડુના ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 
ગુજરાતના મહત્વના ઐતિહાસીક શહેરનાં વતની મીર હાજી કાસમએ ઢોલક વાદનની કલામાં એક આગવી છાપ ઉભી કરી હતી. છેલ્લા કેટલાય વર્ષો થયા સંતવાણી, ભજન, ડાયરા, લોકડાયરા સહીતના કાર્યક્રમમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં પણ તેઓએ નાના  તેમજ મોટા ગજાનાં કલાકારો સાથે પણ સ્ટેજ કાર્યક્રમો આપેલ છે. વાદ્ય કલા એટલે કે ઢોલકના વાદન ક્ષેત્રે તેમની કલા સોળે કલાએ ખીલી ઉઠી હતી. અને ભજન, સંતવાણી કે લોકડાયરાનાં કાર્યક્રમો મીર હાજી કાસમના ઢોલક વાદન વિના અધુરા ગણાતા હતા. તેમની આગવી શૈલીને કારણે તેઓનું ખુબ જ ઉંચુ નામ અને પ્રસિધ્ધ પ્રાપ્ત થઈ હતી. અને ભજનપ્રેમીઓ, સંગીતપ્રેમીઓ તેને હાજી રમકડુના હુલામણા નામથી ઓળખવા લાગ્યા હતા. ઢોલક વાદનની કલામાં ઓતપ્રોત એવા હાજી રમકડુ એટલે ઢોલકનું ઢીંગાણુ પણ ગણાતા હતા. કોઈપણ જાહેર કાર્યક્રમ હોય અને તેમાં હાજી રમકડુ ઢોલક વગાડતા હોય એટલે ડાયરાને અનેરો રંગ લાગી જતો હતો. અત્રે નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ હાજી રમકડુના ઢોલક વાદનની કલાથી ખુબ જ પ્રભાવિત હતા. તેઓ જયારે પણ જૂનાગઢ આવે અને આ દરમ્યાન હાજી રમકડુનો ભેટો થાય એટલે તુરત જ તેઓને હાજી રમકડુના નામથી બોલાવે અને સાથે જ તેમની સાથે આત્મીયતા દર્શાવતા રહયા છે. દરમ્યાન ઢોલક વાદનની તેમની કલાની સુવાસ સર્વત્ર પ્રસરી ગઈ હતી અને તેમની આગવી શૈલીને કારણે કદરદાન સ્વરૂપે તેઓને પદમશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને કલા જગતમાં ખુશી અને આનંદની લહેર દોડી ગઈ હતી. દરમ્યાન ગઈકાલે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદમશ્રી એવોર્ડ એનાયત કરવાનો એક શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શાનદાર સમારંભમાં જૂનાગઢનાં સુપ્રસિધ્ધ તબલાવાદક મીર હાજી કાસમ ઉર્ફે હાજી રમકડુને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદમશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવતા જૂનાગઢ અને સોરઠ પંથક ગૌરવની લાગણી અનુભવે છે. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર દ્વારા પણ પદમશ્રી એવોર્ડ મેળવનાર સુપ્રસિધ્ધ ઢોલક વાદક હાજી રમકડુને અભિનંદન સાથ શુભકામના પાઠવવામાં આવી છે.