પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે એડવેન્ચર કોર્સ પૂર્ણ, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

રાજ્યભરના 36 યુવાનોએ ટ્રેકિંગ અને સાહસિક તાલીમ સાથે વ્યક્તિત્વ વિકાસની મેળવી કેળવણી

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે એડવેન્ચર કોર્સ પૂર્ણ, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

જૂનાગઢ તા.25 
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આયોજન હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા. 17 મે થી 23 મે, 2026 દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 36 શિબિરાર્થીઓએ આ સાહસિક તાલીમ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ, ટ્રેકિંગ, ટીમવર્ક તથા વ્યક્તિત્વ વિકાસને લગતી તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન નયના મુલાણી ગઢડા સ્વામી, પ્રદીપકુમાર રાજસ્થાન અને વિક્રમસિંહ જાદવ બરૂલા ગીર દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.
શિબિરના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અશ્વિનભાઈ ભારાઈ (કોર્પોરેટર જૂનાગઢ વોર્ડ નં-9) તથા કે.પી. રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુના હસ્તે શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ તાલીમાર્થીઓને ભવિષ્યમાં પણ આવી સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત સાથે શિબિર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બારૈયા પ્રિયંકા અને રામાણી સ્વરા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલીમાર્થીઓ જીડીયા વિવેક, મૌર્ય વ્યાસ અને સોલંકી દેવીશાએ કેમ્પના પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શિબિર દરમિયાન જટાશંકર અને કાશ્મીરી બાપુ ટ્રેકનો અનોખો અનુભવ મળ્યો હતો અને સમગ્ર કેમ્પ આનંદદાયક તેમજ પ્રેરણાદાયી રહ્યો હતો. તેમણે અન્ય યુવાનોને પણ આવી શિબિરોમાં જોડાવા પ્રોત્સાહિત કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
અશ્વિનભાઈ ભારાઈએ બાળકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, “જીવનમાં સાહસિક પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે. આવી પ્રવૃત્તિઓથી યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને છે.”
અંતમાં માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.