વર્તમાન યાંત્રિક યુગમાં ગૌવંશ આધારીત ખેતી શકય છે?
વર્ષો પહેલા હળ સાથે બળદને જાેડીને ખેતી કાર્ય થતું હતું, આજે ડીઝલની અછતને કારણે ઉભી થયેલી પરિસ્થિતીએ ભુતકાળની યાદ તાજી કરાવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા. 26
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં વર્ષો પહેલા હળ સાથે બળદને જાેડીને ખેતી કરવામાં આવતી હતી. ગૌવંશ આધારીત થતી ખેતીનાં અનેકગણા ફાયદા પણ થતા હતા. બળદના છાણનો ઉપયોગ સેન્દ્રીય ખાતર તરીકે પણ કરવામાં આવતો હતો અને ખેત ઉત્પાદન પણ મબલખ થતંુ હતું. આપણો ભારત દેશ મનોજકુમારની સુપરહીટ ફિલ્મ ‘ઉપકાર’નાં લોકપ્રિય ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી’ આ ગીતની પંક્તિને અનુરૂપ ભારતમાં ખેતી કાર્ય થતું હતું. આજે જયારે યુધ્ધના તણાવ વચ્ચે ડીઝલની સર્વત્ર અછત ઉભી થઈ છે. જૂનાગઢ જીલ્લો, સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો સર્જાયેલા છે. હોર્મુઝ કટોકટી જાે પુર્ણ ન થાય તો આગામી સમય ખાસ કરીને પેટ્રોલ, ડીઝલની તીવ્ર અછત ઉભી થવાનાં સંકેતો આપે છે. જાે સમયસર ખેડુતોને ડીઝલનો પુરવઠો પ્રાપ્ત ન થાય તો એકલા ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ખેત ઉત્પાદનને મોટી અસર પહોંચે તેમ છે અને અનાજની તંગીનો ભય સેવવામાં આવી રહયો છે. ખેડુતોએ ખેતી કાર્ય, વાવણી વગેરે ડીઝલ સમયસર ન મળે તો કેવી રીતે કરવું? તે મોટો સવાલ ઉભો છે. આ સંજાેગોમાં શું ગૌવંશ આધારીત ખેતી આજનાં સમયમાં શકય છે ખરી? તેવો સવાલ પણ આજે ઉઠવા પામ્યો છે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી છેલ્લા ઘણા વર્ષો થયા ઓર્ગેનીક ખેતી માટેનું એક અભિયાન ચલાવી રહયા છે અને આ અભિયાન ખુબજ સફળ પણ થઈ રહયું છે. હવે વાત કરીએ વર્તમાન સમયની કે જયારે ભારતભરમાં તમામ વિસ્તારોમાં એક સમયે ગૌવંશ આધારીત ખેતી કરવામાં આવતી હતી. ગાય માતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો છે અને ગાયને માતા તરીકે પૂજન કરનારો આપણો દેશ છે. ગાય માતાએ આપણને પૌષ્ટીક આહાર એટલે કે દુધની ભેટ આપી છે. દુધમાંથી માખણ, ઘી, દહીં બનાવવામાં આવે છે અને આહારમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત ગૌવંશ એટલે કે ગાયનાં વાછરડા (બળદ)નો સમય જતા ખેતીનાં કામમાં ઉપયોગ કરવા લાગ્યા હતા. લાકડાનું, લોખંડનું હળ બનાવી અને તેની સાથે બળદને જાેડી અને ખેતરમાં હળ ચલાવી, જમીન વ્યવસ્થિત બનાવી અને ચોમાસાનાં સમયે તૈયાર કરી અને વાવણી કાર્ય કરવામાં આવતું હતું. ભીમ અગીયારસનો દિવસ વાવણી માટે શ્રેષ્ઠ હોય આ દિવસે ખેડુતો હળનું પૂજન કરી બળદોને શણગારી અને હોંશે હોંશે વાવણી કરતા હતા. સમય જતાં ધીમે ધીમે ખેતીનાં અદ્યતન સાધનો શરૂ થયા, જેસીબી, હીટાચી, વાવણી માટેના ટ્રેકટરો, હળ સાથેનું ગાડુ આ બધાજ યાંત્રીક સાધનોનો ઉપયોગ થવા લાગ્યો અને કુવા, બોરમાંથી પાણી ખેંચવા માટે ઈલેકટ્રીક મોટર, પંપ, મશીનોનો ઉપયોગ થવા લાગ્યો અને સમય જતાં બળદોનો ખેતીનાં કામમાંથી ધીમે ધીમે ઉપયોગ ઓછો થવા લાગ્યો. યાંત્રીક સાધનોને કારણે ખેતીનું કાર્ય ઝડપભેર થવા લાગ્યું હતું. બળદોનો ઉપયોગ ઓછો થયો અને તેને નિભાવવામાં ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. દરેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ખેતીના કાર્ય માટે આધુનિક સાધનોનાં ઉપયોગ વચ્ચે બળદોની માંગ ઓછી રહી અને ધીમે ધીમે બળદો રાખવાનું જ બંધ થવા લાગ્યું. દરમ્યાન એક તરફ દિવસે દિવસે ખેતીનાં નવા નવા સાધનો વચ્ચે ખેતીની કામગીરી આધુનીક બની ગઈ. આજે મોટાભાગની ખેતી આધુનિક સાધનોથી થઈ રહી છે. તેમ છતાં હજુ ઘણાં વિસ્તારોમાં ગૌવંશ આધારીત ખેતીનું કાર્ય પણ થાય છે. વર્તમાન સમયમાં આજે પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થઈ છે. આજે જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ ગામો-શહેરોમાં તેમજ દેશભરમાં ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો જાેવા મળે છે. ખેડુતોને પુરતો જથ્થો મળતો નથી અને ડીઝલનો કકળાટ જાેવા મળી રહયો છે. ચોમાસાનાં દિવસો નજીક આવી રહયા છે ત્યારે ખેડુતોને ઓરવણી, વાવણી, ડીઝલનાં અછતનાં સમયમાં કેમ કરવી તે મોટો પ્રશ્ન સતાવી રહયો છે. આજની ડીઝલની સર્જાયેલી અછતના સમયમાં ભુતકાળના ખેતીનાં દિવસો તાજા થાય છે સાથે જ શું આજનાં સમયમાં બળદોને હળ સાથે જાેડી ગૌવંશ આધારીત ખેતી શકય છે ખરી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.


