સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો
પોલીસે યુવક પાસેથી જીવતા કાર્ટીસ અને મોબાઇલ સહિત રૂા.32,700નો મુદ્દામાલ કબ્જે કર્યો
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.26
સોમનાથ બાયપાસ વિસ્તારમાંથી પ્રભાસ પાટણ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક પરપ્રાંતિય યુવકને દેશી પિસ્તોલ અને જીવતા કાર્ટુસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર પ્રભાસપાટણ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ ડી.બી. ગઢવીની રાહબરીમાં પો.સબ.ઇન્સ્પેક્ટર એસ.જે. સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે સોમનાથ બાયપાસ પર સફારી સર્કલ નજીક સિમેન્ટના ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝીન તથા સાત જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી કુલ રૂા.32,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ રમાંકાંત અનિલભાઈ ગુપ્તા (ઉ.વ.29), રહે. સેક્ટર-58, બિશનપુરા ગામ, ગૌતમ બુદ્ધનગર, નોઇડા, ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસે હથિયાર રાખવા માટે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.


