જૂનાગઢ શહેરની પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ લોકાભિમુખ બને તેવી પ્રાથમિકતા રહેશે : મ્યુની. કમિશ્નર પ્રભવ જાેષી

શહેરના વિકાસકામો માટે નાગરીકો અને સ્થાનિક પ્રતિનિધીઓ પાસેથી પણ સકારાત્મક સહકારની અપેક્ષા

જૂનાગઢ શહેરની પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ લોકાભિમુખ બને તેવી પ્રાથમિકતા રહેશે : મ્યુની. કમિશ્નર પ્રભવ જાેષી

જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના નવનિયુક્ત મ્યુનિસીપલ કમિશ્નર પ્રભવ જાેષીએ ગઈકાલે કાર્યભાર સંભાળતાની સાથે જ વહીવટી કામગીરીને ગતિશીલતા આપવા માટે શરૂઆત કરી દીધી છે. અધિકારીઓ સાથે બેઠક યોજી અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. તેમજ જૂનાગઢ શહેરના નાગરીકોને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય તે અંગે પ્રાથમીકતા અપાશે તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વહીવટી ફેરબદલના ભાગરૂપે, જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે ૨૦૧૪ બેચના આઈ.એ.એસ. અધિકારીશ્રી પ્રભવ જાેષી દ્વારા ગઈકાલે સવારમાં સોમનાથ એક્સપ્રેસ ટ્રેન દ્વારા જુનાગઢ આવી પહોંચ્યા હતા. અને ગીરનાર તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે કમિશ્નરશ્રી તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લેવામાં આવ્યો હતો. આ તકે મહાનગરપાલિકા કચેરી ખાતે મનપાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પ્રભવ જાેષી દ્વારા કચ્છ જીલ્લાના ડી.ડી.ઓ., રાજકોટ જીલ્લાના કલેકટર તરીકે, પ્રવાસન વિભાગમાં મેનેજીંગ ડાયરેક્ટર તેમજ સરકારશ્રીના અનેકવિધ વિભાગમાં ફરજ બજાવેલ છે.તેમજ જીલ્લામાં તેઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ (૩) નેશનલ એવોર્ડ અને બીજા અન્ય એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવેલ છે. દરમ્યાન મનપાના કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ કાર્યભાર સંભાળ્યાની સાથે જ મહાનગરપાલિકાના વિવિધ વિભાગીય વડાઓ સાથે એક પરિચય બેઠક યોજી હતી અને કાર્યભારની સમીક્ષા કરી હતી. કમિશ્નરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે,"જૂનાગઢ એ ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું શહેર છે.જૂનાગઢના નાગરિકોને પાયાની સુવિધાઓ જેવી કે શુદ્ધ પીવાનું પાણી,રસ્તા,સફાઈ અને લાઈટની વ્યવસ્થા વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બને તે મારી પ્રાથમિકતા રહેશે.સરકારશ્રીની વિવિધ જનકલ્યાણ યોજનાઓ સામાન્યમાં સામાન્ય માણસ સુધી સમયસર પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પદ્ધતિ (એ.આઈ.)નો ઉપયોગ વધુ થાય તે દિશામાં સમગ્ર ટીમ સાથે મળીને કામગીરી કરવામાં આવશે.તેઓ દ્વારા વધુમાં ઉમેર્યું હતું કે, ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોય, પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ આપવા અને શહેરમાં સ્વચ્છતા તેમજ વિવિધ કાર્યરત પ્રોજેક્ટ્સને લગતી કામગીરીઓનું ઝીણવટભર્યું આયોજન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. શહેરના વિકાસ માટે તેઓ નાગરિકો અને સ્થાનિક પ્રતિનિધિઓ પાસેથી પણ સકારાત્મક સહકારની અપેક્ષા રાખે છે તેમ જણાવ્યું હતું.