ગુજરાતની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને વિકાસ માટે રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ, જૂનાગઢ મનપાને રૂ. 65 કરોડ

ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકાઓને વિકાસ કામો માટે ચેક અર્પણ કર્યા

ગુજરાતની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને વિકાસ માટે રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ, જૂનાગઢ મનપાને રૂ. 65 કરોડ

જૂનાગઢ, તા. 11
રાજ્યના શહેરી વિસ્તારોમાં વિકાસને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કુલ રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિકાસ કામો માટે ચેક અર્પણ કર્યા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની 17 મહાનગરપાલિકાઓને કુલ રૂ. 2,992 કરોડ જ્યારે 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ શહેરી વિસ્તારોમાં રસ્તા, સ્વચ્છતા, સુખાકારી સુવિધાઓ અને અન્ય જરૂરી માળખાકીય વિકાસના કામો માટે કરવામાં આવશે.
ફાળવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ. 870 કરોડ અને સુરત મહાનગરપાલિકાને રૂ. 770 કરોડ આપવામાં આવ્યા છે. વડોદરા મનપાને રૂ. 285 કરોડ, રાજકોટને રૂ. 232 કરોડ, ભાવનગર અને જામનગરને રૂ. 105-105 કરોડની ગ્રાન્ટ મળી છે. જ્યારે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 65-65 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી મહાનગરપાલિકાઓને રૂ. 55-55 કરોડની રકમ આપવામાં આવી છે.
નગરપાલિકાઓ માટેની ગ્રાન્ટમાં 'અ' વર્ગની 41 નગરપાલિકાઓને કુલ રૂ. 307.50 કરોડ, 'બ' વર્ગની 34 નગરપાલિકાઓને રૂ. 221 કરોડ, 'ક' વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને 'ડ' વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સારા બનાવવા માટે સિટિઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને પ્રાધાન્ય આપવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, નગરો અને મહાનગરોમાં જનસુખાકારીના કામો માટે હવે નાણાંની અછત ન રહે તે રીતે રાજ્યમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોકે, ફાળવવામાં આવતા નાણાંનો યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામોમાં ઉપયોગ થાય તે પણ એટલું જ મહત્વનું છે.
મુખ્યમંત્રીએ નવા વિકાસ કામોના આયોજન સાથે અગાઉ પૂર્ણ થયેલા કામોની સ્થિતિ પર પણ સતત નજર રાખવા સૂચના આપી હતી. પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળીને વિકાસ કાર્યોની સાઇટ વિઝિટ કરી કામની ગુણવત્તા ચકાસવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. શહેરોમાં નવા બનનારા રસ્તાઓ RCCના બનાવવાની સાથે સ્વચ્છતા વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન આપવા તેમણે સૂચના આપી હતી. સ્વચ્છતા બાબતે બેદરકારી સામે જરૂરી કડક કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું.
શહેરોમાં હરિયાળી વધારવા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવાના કામોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. નવી TP સ્કીમમાં વૃક્ષારોપણ માટે જમીન અનામત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરીને તેમણે બગીચા, ઓક્સિજન પાર્ક અને અન્ય હરિયાળી સુવિધાઓના વિકાસમાં તેનો યોગ્ય ઉપયોગ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નાણાંના અભાવે વિકાસના કામો અટક્યા નથી અને હવે ચાલી રહેલા કામોની ગુણવત્તા જાળવવાની જવાબદારી પણ એટલી જ મહત્વની છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને ભવિષ્યલક્ષી શહેરી વિકાસનું આયોજન કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અને સ્વચ્છતા અભિયાનને વેગ આપી શહેરોને વધુ હરિયાળા અને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ માટે કરવામાં આવતી ગ્રાન્ટ ફાળવણીનો મુખ્ય હેતુ નાગરિકોના જીવનધોરણ અને સુખાકારીમાં વધારો કરવાનો છે. સ્થાનિક કારીગરો અને કલાકારોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળા તેમજ ઘન કચરાના વ્યવસ્થિત નિકાલ માટે ઝોનવાર વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે ‘20 વર્ષ શહેરી વિકાસના’ અને ‘અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા’ નામની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના CEO વીણા પટેલ સહિત વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.