જૂનાગઢમાં રસ્તા ઉપરના દબાણો, આડેધડ વાહન પાર્કિંગને પગલે ટ્રાફીક સમસ્યા
મનપાની દબાણ શાખા દ્વારા કથિત દબાણો દુર કરવા માંગ - આડેધડ વાહનો રસ્તા ઉપર પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી જરૂરી હવે તો સોસાયટીઓમાં પણ આડેધડ વાહન પાર્કિંગ, દબાણો થાય છે, રસ્તાની સાઈડમાં ખાસ ઢાળ બનાવી અને વાહનને રાખવા કે લઈ જવા માટેનાં રસ્તાઓ કરવામાં આવે છે.
જૂનાગઢ તા.9
જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સમસ્યાનો કયારેય ઉકેલ આવતો નથી, ઉલ્ટાનું આ સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. ત્યારે ટ્રાફીક સમસ્યાનાં ઉકેલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતી જાેઈએ તો ઐતિહાસિક શહેરનાં રસ્તા ટુંકો પનો અને સાંકળા હોવાના કારણે લગભગ મોટા ભાગનાં રસ્તા અને બજારો સાંકળી છે. શહેરનાં કાળવા ચોક, વૈભવ ચોક, મજેવડી દરવાજા, રેલ્વે સ્ટેશન રોડ, ગાંધી ચોક, ચિતાખાના ચોક, તળાવ દરવાજા, એમ.જી. રોડ, આઝાદ ચોક, જયશ્રી રોડ, રાણાવાવ ચોક, સરદારબાગ, મોતીબાગ સહીતનાં મુખ્ય માર્ગો ઉપર સતત ટ્રાફીક રહેતો હોય છે. આ માર્ગો ઉપરથી પસાર થતી વખતે વારંવાર ટ્રાફીક જામ થવાના બનાવો સર્જાતા રહે છે. ટ્રાફીકથી ધમધમતા આ વિસ્તારોમાં વાહન ટકરાવવાનાં બનાવો પણ બનતા રહે છે. ખાસ કરીને ટ્રાફીમ સમસ્યા લગભગ બધેજ સર્જાઈ છે. આ ટ્રાફીક સમસ્યા સર્જાવાનું મુખ્ય કારણ જાેઈએ તો સાંકળા રસ્તા તેમજ આ રસ્તાઓ ઉપર યેનકેન પ્રકારે થતા દબાણો જેમાં રેકડીથી લઈ પાથરણાવાળા રસ્તાની બંને સાઈડ રોકી વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. વેપાર કરવાની ના નથી પરંતુ રસ્તો રોકીને ધંધો કરનારાથી તકલીફ થાય છે. નાના ધંધાર્થીઓ ટ્રાફીકને અડચણરૂપ ન બને તે રીતે ધંધો-રોજગાર કરે તો કોઈને વાંધો ન હોય, આ ઉપરાંત વેપારીઓ પોતાની દુકાનથી બહાર ઓટલા ખડકી દે. છાપરા બાંધે, દુકાનની આજુબાજુ વસ્તુઓ ટાંગે અને જેને કારણે ટ્રાફીકની સ્થિતી ઉભી થાય છે. જૂનાગઢ શહેરમાં આવેલી મુખ્ય બજારો માંગનાથ રોડ, હવેલી ગલી, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, સોની બજાર, ઢાલ રોડ, ચોકસી બજાર, દીવાન ચોક વગેરે બજારોમાં પણ ટ્રાફીકની સ્થિતી મુશ્કેલી ભરી રહે છે. તેમાં પણ મુખ્ય બજારોમાં ગ્રાહકોની અવરજવર શરૂ થાય છે. ત્યારે સાંકળી બજારોમાં વાહન ચાલકોનો પણ સતત ત્રાસ રહેતો હોય છે. જેમ ફાવે તેમ વાહન હાકતા જાેવા મળે છે. આ ઉપરાંત શહેરનાં મુખ્ય માર્ગો જે જાહેર રસ્તા છે તેના ઉપરના દબાણો તો ખરાજ પરંતુ રસ્તાની બંને સાઈડ વાહનોનાં ખડકલા કરી દેવાય છે તેમજ બાકી રહેતું હોય તેમ રસ્તામાં આડેધડ વાહનોનાં પાર્કિંગને કારણે પણ ટ્રાફીક સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને પોસ્ટ ઓફીસ રોડ, આઝાદ ચોક, જેનીલી શોપીંગ સેન્ટર, વણઝારી ચોક, મનપાવાળી ગલી બધેજ ટ્રાફીક જામ સર્જાઈ છે. જૂનાગઢની વકરેલી ટ્રાફીક સમસ્યાનાં કાયમી ઉકેલ માટે મનપાની દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બજારોમાંથી દબાણો દુર કરવાની કડક કામગીરી કરવા માંગ છે તેમજ પોલીસ દ્વારા પણ ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરનાર તેમજ આડેધડ વાહન પાર્કિંગ કરનારા વિરૂધ્ધ શહેરમાં ખાસ ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહીની માંગણી ઉઠવા પામી છે.
| આઝાદ ચોકથી કાળવા ચોક સુધીનાં માર્ગ ઉપર ટ્રાફીકનું ભારણ સવારના 9 થી રાતના 9 દરમ્યાન સેંકડો વાહનોની અવર-જવર વચ્ચે દિવસમાં અનેકવાર ટ્રાફીક જામની સ્થિતી જૂનાગઢ શહેરનાં હાર્દ સમા મુખ્ય માર્ગ આઝાદ ચોકથી કાળવા ચોકને સાંકળતા એમ.જી. રોડની હાલત અત્યંત કફોડી રહે છે. સવારના 9 થી રાતના 9 વાગ્યા દરમ્યાન સેંકડો વાહનોની અવર-જવર વચ્ચે ટ્રાફીકનો ધમધમાટ પ્રસરે છે. દિવસમાં અનેકવાર ટ્રાફીક જામનાં દ્રશ્યો આઝાદ ચોકથી કાળવા ચોક સુધીમાં સર્જાઈ છે. ટ્રાફીક જામ થવાનું કારણ શું? આઝાદ ચોકથી કાળવા ચોક સુધીનાં માર્ગ ઉપર સતત વાહનોની અવરજવર રહે છે. ઉપરાંત એમજી રોડનાં આ માર્ગ ઉપર અન્ય વિસ્તારને સાંકળતી ગલીઓ જાેડાઈ છે. ઉપરાંત દુકાનો, શોપીંગ સેન્ટરો પણ આવેલા છે. આ રસ્તા ઉપર વાહનોનાં પાર્કિંગને કારણે ટ્રાફીકની સ્થિતી સર્જાઈ છે. તેમજ જેનીલીથી રાણાવાવ ચોક જવાનાં રસ્તા ઉપર એક સાઈડમાં થતા વાહનોનાં પાર્કિંગને કારણે પણ વાહન ચાલકોને અવર-જવર માટે તકલીફ પડે છે. રાણાવાવ ચોક પાસે પુનિત શોપીંગ સેન્ટર આવેલ છે તેની આગળનાં ભાગે ખુલ્લી જગ્યા આવેલી છે. ત્યાં વાહનોના પાર્કિંગ થાય છે. અને આ જગ્યા પ્રાઈવેટ પાર્ટી પોઈન્ટ બની ગયેલ છે. આ ખુલ્લી જગ્યામાં રીક્ષા સ્ટેન્ડ આપી દેવા જાેઈએ જેને લીધે રસ્તા ઉપર રીક્ષા મુકવી ન પડે અને પાર્કિંગના પોઈન્ટ ઉપર રીક્ષા ઉભી રાખવામાં આવે. આ માર્ગમાં સતત 24 કલાક દોડતા નાના મોટા વાહનોને લઈને ભારે ટ્રાફીક રહે છે. ખરી મુસીબત તો ત્યારે આવે છે કે, જયારે કોઈ આગ, અકસ્માત કે કોઈ આપતિ આવે અને ઈમરજન્સી મદદની જરૂરીયાત ઉભી થાય ત્યારે ટ્રાફીક જામની સ્થિતીને લઈને જાેઈતી મદદ ઝડપથી મળી શકે નહીં તેવી હાલ સ્થિતી છે. ટ્રાફીકની યોગ્ય વ્યવસ્થા માટે પગલાની જરૂર છે આઝાદ ચોકથી કાળવા ચોક સુધીનાં માર્ગ ઉપર સેંકડો વાહનોની દોડધામ ટ્રાફીક જામનાં વારંવાર દ્રશ્યો અને ટ્રાફીક સમસ્યા કાયમ રહેતી હોય છે ત્યારે તેના માટે યોગ્ય કાર્યવાહીની જરૂર છે. આઝાદ ચોકથી કાળવા ચોક અથવા કાળવા ચોકથી આઝાદ ચોક સુધીનાં માર્ગને વન-વે જાહેર કરવામાં આવે તો ટ્રાફીક માટેની સમસ્યા હળવી થઈ શકે. ઉપરાંત ઉપરોકત માર્ગ ઉપર બંને સાઈડમાં આવેલી ગલીઓમાં વાહન પ્રવેશ બંધ કરી દેવો જાેઈએ જેથી કરીને એકતરફી માર્ગ બની રહે અને વ્યવસ્થિત રીતે વાહન વ્યવહારની અવરજવરની સ્થિતી જળવાઈ રહે. જૂનાગઢ શહેરમાં અનેક સમસ્યાઓ રહેલી છે. તેમાંની ટ્રાફીક સમસ્યા વધુ વિકરાળ બને તે પહેલા જરૂરી પગલા ભરવામાં આવે તો શહેરની એક સમસ્યા થોડા ઘણાં અંશે હળવી બને તેવું જાણકારોનું કહેવું છે. |





