જૂનાગઢમાં ભુતનાથ ફાટક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનનો ભાગ પુટી પડયો : સદભાગ્યે જાનહાની નહી

જૂનાગઢમાં ભુતનાથ ફાટક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનનો ભાગ પુટી પડયો : સદભાગ્યે જાનહાની નહી

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરના ભૂતનાથ ફાટક નજીક આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનનો મુખ્ય પ્રવેશ ભાગ (રવેશ) અચાનક ધરાશાયી થયો હતો. જાેકે, આ ઘટના સવારે કે રાત્રે ન બનતા બપોરના સમયે બની હોવાથી સદ્નસીબે કોઈ જાનહાનિ કે જાનમાલનું નુકસાન થયું નહોતું. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ધરાશાયી થયેલા ભાગને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, “લોહાણા વિદ્યાર્થી ભવન ૯૦ વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું.” તેમણે ખુલાસો કર્યો કે, ભવનના રવેશનો ભાગ પડી જવાનો અંદાજ વહીવટીતંત્ર અને ટ્રસ્ટને પહેલેથી જ હતો, જેના કારણે અગાઉથી જ પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈએ જણાવ્યું કે અમને અંદાજ હતો કે આ ભાગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તેથી અમે અગાઉથી પીજીવીસીએલને જાણ કરી હતી. પીજીવીસીએલ વિભાગ દ્વારા દુકાનધારકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ તેમની વીળીની લાઈનો તાત્કાલિક હટાવી લે. ભવન સંચાલકોએ આ રવેશ નીચે આવેલી દુકાનોના ધારકોને પણ બે વખત લેખિતમાં જાણ કરી હતી કે તેઓ તેમના દુકાનના વીજ કનેક્શન કામચલાઉ ધોરણે હટાવી લે, જેથી વિદ્યાર્થી ભવનના રવેશને સલામત રીતે ઉતારી લેવાનું અથવા સમારકામનું કામ શરૂ કરી શકાય.પરંતુ દુકાનધારકોએ આ મામલે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું ન હતું, જેના પરિણામે આજે આ ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં પણ ભવનના પ્રવેશનો થોડો ભાગ એવો છે જેને કાઢવાની જરૂર છે. મહેન્દ્રભાઈએ દુકાનદારોને અપીલ કરી છે કે તેઓ વહેલી તકે તેમના વીજ કનેક્શન કામચલાઉ ધોરણે હટાવી લે, જેથી બાકીનું કામ પણ સલામત રીતે પૂર્ણ કરી શકાય.