જૂનાગઢ એસઓજીએ રૂા. ૧.ર કરોડની કિંમતની સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી સાથે પાલીતાણાનાં શખ્સને ઝડપી લીધો
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ એસઓજીની ટીમે ચોકકસ બાતમીનાં આધારે વિજાપુરના પાટીયા નજીકથી ભાવનગરનાં પાલીતાણાનાં એક શખ્સને ઝડપી લઈ તેમની પાસેથી વ્હેલ માછલીની ઉલટી (અંબરગ્રીસ) ૧.૦રપ કિલોગ્રામ રૂા. ૧,૦ર,પ૦૦૦૦નો મુદામાલ જપ્ત કરી અને વ્હેલ માછલીની ઉલટીનાં દાણચોરીનાં રેકેટનો પર્દાફાશ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો ઉપર વોચ રાખી અને કડક કાર્યવાહી કરવા માટેની સુચનાનાં ભાગરૂપે એસઓજી જૂનાગઢનાં પીઆઈ આર. કે. પરમાર તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય આ દરમ્યાન એસઓજીનાં પોલીસ હે.કો. મેણસીભાઈ અખેડ, અનીરૂધ્ધભાઈ વાંક તથા પો.કો. રોહિતભાઈ ધાધલ, વીશાલભાઈ ઓડેદરા વગેરેની ટીમ જૂનાગઢ ખડીયા રોડ ઉપર પાદરીયા ગામનાં રેલ્વેનાં પાટા પાસે શિવમંદિર સામે રોડ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન પહોંચતા તેઓને એવી બાતમી મળી હતી કે, એક ઈસમ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) જેવો મુલ્યવાન પદાર્થનો જથ્થો પોતાની પાસે રાખી ચોરી છુપીથી શંકાસપદ રીતે વેચાણ કરવા માટે વિજાપુરનાં પાટીયા પાસે એક સફેદ કલરની થેલી લઈ ઉભેલ છે જે હકીકતનાં આધારે વિજાપુર બસસ્ટેન્ડ ખાતે પહોંચી ત્યાં તપાસ કરતા આરોપી પંકજભાઈ નાથાલાલ કુબાવત (બાવાજી) ઉ.વ.૭ર ધંધો ડ્રાઈવીંગ, રહે. બહારપરા વિસ્તાર પાલીતાણા જી. ભાવનગરવાળાને ઝડપી લઈ તેની પાસે રહેલ સફેદ કલરની પ્લાસ્ટીકની થેલી અને તેની અંદર કાળા કલરનાં પ્લાસ્ટીકનાં ઝભલામાં તપાસ કરતા તેમાંથી અનિયમિત આકારનાં નાના-મોટા સફેદ પીળા કલરનાં ટુકડાઓ તથા ભુક્કો મળી આવેલ જે ટુકડાઓ મળી આવતા વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) જેનો વજન ૧.૦રપ કિલોગ્રામ અને ઈન્ટરનેશનલ માર્કેટ કિંમત રૂા. ૧.૦ર, પ૦૦૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આરોપી શખ્સની પુછપરછ કરતા આ શખ્સ વ્હેલ માછલીની ઉલટીનું વેચાણ કરવા માટે આવ્યો હોય અને ગ્રાહક શોધતા પોલીસનાં હાથે ઝડપાઈ ગયો છે. ઉપરોકત શખ્સની ધરપકડ કરી એસઓજી પોલીસે વધુ કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. તેમજ આગળની તપાસની કાર્યવાહી ગુજરાત ફોરેસ્ટ વિભાગ ડુંગર દક્ષિણ રેન્જને પણ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાનાં વિજાપુરનાં પાટીયા પાસે વ્હેલ માછલીની ઉલટીનાં જથ્થાને વેચી નાખવાનો પ્રયત્ન કરવા જતાં પાલીતાણાનાં શખ્સને ઝડપી લેવામાં આવેલ છે ત્યારે વ્હેલ માછલીની ઉલટીનાં સ્મગલીંગનાં રેકેટનો પોલીસે પર્દાફાશ કરેલ છે અને આ દીશામાં વધુ તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.


