ન્યુયોર્કમાં માઈનસ ૪૦ ડીગ્રી : એન્ટાર્કટીકા કરતા પણ વધુ નીચુ તાપમાન
(એજન્સી) ન્યૂયોર્ક તા.૧૦:
ન્યૂયોર્કમાં હાલના દિવસોમાં એટલી ઠંડી પડી રહે છે કે શહેરના કેટલાક ભાગોમાં તાપમાન એન્ટાર્કટિકાના અમુક ભાગથી પણ ઓછું રહ્યું હતું. ઠંડા પવનોને કારણે ન્યૂયોર્ક સહિત નોર્થઈસ્ટ અને ન્યૂ ઈંગ્લેન્ડમાં વીકેન્ડ દરમિયાન રવિવારે હાડકા થીજી જાય તેવી ઠંડી પડી હતી. ફેબ્રુઆરી ૦૮ના રોજ ન્યૂયોર્કમાં તાપમાન ત્રણ ડિગ્રી ફેરનહિટ નોંધાયું હતું પરંતુ ઠંડી માઈનસ ૧૪ ડિગ્રી ફેરન હિટ જેવી લાગી રહી હતી અને નોર્થઈસ્ટના કેટલાક ભાગોમાં સૂસવાટા મારતા પવનને કારણે માઈનસ ૪૦ ડિગ્રી ફેરનહિટ જેવી ઠંડી અનુભવાઈ હતી. ઈન્ડિયન સ્ટાઈલમાં સમજવું હોય તો રવિવારે ન્યૂયોર્કમાં માઈનસ ૨૫ ડિગ્રી સેલ્સિયસ ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં તાપમાન ૧૨-૧૫ ડિગ્રી જેટલું હોય તો પણ લોકો સ્વેટર પહેરીને બહાર નીકળે છે ત્યારે ન્યૂયોર્કમાં માઈનસ ૨૫ ડિગ્રી ઠંડીમાં લોકોની શું હાલત થઈ હશે તેનો વિચાર પણ રૂંવાડા ઉભા કરી દે તેવો છે.


