ઈરાને કહ્યું : યુરેનિયમ કાર્યક્રમ બંધ નહીં કરીએ, અમેરીકા પર ભરોસો નથી
(એજન્સી) તેહરાન તા.૧૦
ઈરાને અમેરિકાના દબાણને સખત રીતે નકારી કાઢતા જણાવ્યું છે કે તે પોતાનો યુરેનિયમ સંવર્ધન (યુરેનિયમ એનરિચમેન્ટ) કાર્યક્રમ કોઈપણ ભોગે બંધ કરશે નહીં, ભલે તેને સૈન્ય ધમકીઓ મળે કે નવા પ્રતિબંધો લાદવામાં આવે. રવિવારે તેહરાનમાં એક જાહેર કાર્યક્રમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાનને ડરાવીને તેની પરમાણુ નીતિ બદલી શકાતી નથી અને અમેરિકાના ઈરાદા પર અમને ભરોસો નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા વર્ષો પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનમાં વાતચીત ફરી શરૂ થઈ છે. ઈરાન ઈચ્છે છે કે તેના પર લાગેલા કડક આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે, જ્યારે અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા માંગે છે.


