રાજસ્થાનના શ્રીગંગાનગર જીલ્લામાંથી જાસુસી નેટવર્કનો પર્દાફાશ : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો એજન્ટ ઝડપાયો

રાજસ્થાનના શ્રીગંગાનગર જીલ્લામાંથી જાસુસી નેટવર્કનો પર્દાફાશ : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો એજન્ટ ઝડપાયો

(એજન્સી)        શ્રીગંગાનગર તા.૨:
ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા શ્રીગંગાનગર જિલ્લામાંથી એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. જ્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરી રહેલા એક એજન્ટની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ સિહ ઉર્ફ બાદલ, જે પંજાબના ફિરોઝપુરનો રહેવાસી છે. સોશિયલ મીડિયા દ્વારા ડાયરેક્ટ આઈએસઆઈના સંપર્કમાં હતો અને ભારતીય સૈન્ય સાથે જોડાયેલી અતિ ગોપનીય સૂચનાઓ પાકિસ્તાન મોકલી રહ્યો હતો. આ ધરપકડ બોર્ડર સુરક્ષા તંત્ર અને ગુપ્તચર એજન્સીઓની સતર્કતાનું મોટું ઉદાહરણ માનવામાં આવે છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ૨૭ નવેમ્બરના રોજ સૈન્ય ક્ષેત્ર સાધૂવાલીની પાસે એક શંકાસ્પદ ગતિવિધિની સૂચના મળી.
સૂચના મળતા જ બોર્ડર ઇન્ટેલિજન્સ ટીમે તરત કાર્યવાહી કરતા શંકાસ્પદ પ્રકાશ સિહની ધરપકડ કરી. તેના મોબાઈલ ફોનની શરુઆતી તપાસમાં વિદેશી અને પાકિસ્તાની વોટ્સએપ નંબરથી સતત સંપર્કમાં રહેતો હોવાની પુષ્ટિ થઈ. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, બાદલ રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં સેનાના વાહનોની મૂવમેન્ટ, સૈન્ય એકમો, સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ અને નવા નિર્માણ કાર્યો સંબંધિત સૂચનાઓ પોતાના પાકિસ્તાની હેન્ડલર્સને મોકલતો હતો.