ભારત-પાકિસ્તાને એક બીજાને પરમાણુ સ્થળોની યાદી સોંપી
૩પ વર્ષથી પરંપરા યથાવત : ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ભારત-પાક. વચ્ચેનો આ કરાર યથાવત
(એજન્સી) નવી દિલ્હી, તા.૨:
જ્યારે આખું વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયોમાં એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક પ્રક્રિયા ચાલી રહી હતી. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બંને દેશોએ પોતપોતાના પરમાણુ સંસ્થાનો અને કેદીઓની યાદીનું આદાન-દાન પૂર્ણ કર્યું છે. સામાન્ય માણસને આશ્ચર્ય થાય કે બે દુશ્મન દેશો એકબીજાને પોતાના પરમાણુ પ્લાન્ટ્સના લોકેશન (અક્ષાંશ અને રેખાંશ) કેમ આપે પરંતુ તેની પાછળ ૧૯૮૮નો એક ખાસ કરાર જવાબદાર છે. આ કરાર મુજબ, યુદ્ધ જેવી સ્થિતિમાં પણ બંને દેશો એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલો નહીં કરવાની બાંહેધરી આપે છે, જેથી કિરણોત્સર્ગી પદાર્થો ફેલાવાથી થતી મોટી માનવીય હોનારત ટાળી શકાય.
આ સતત ૩૫મું વર્ષ છે જ્યારે આ યાદીઓની આપ-લે કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી, ૧૯૯૨ થી શરૂ થયેલો આ સિલસિલો કારગિલ યુદ્ધ, ૨૦૦૧નો સંસદ હુમલો કે તાજેતરના પુલવામા-બાલાકોટ તણાવ દરમિયાન પણ કયારેય અટકયો નથી. આ યાદીમાં પરમાણુ પાવર પ્લાન્ટ્સ, યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો અને રિસર્ચ રિએક્ટરની સંપૂર્ણ માહિતી હોય છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયા બંને દેશો વચ્ચે ન્યુક્લિયર હોટલાઈન જેવું કામ કરે છે, જે આકસ્મિક પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડે છે. ભારત દર વર્ષે અત્યંત પારદશિર્તા સાથે આ માહિતી પાકિસ્તાનને સોંપે છે.


