8 એપ્રિલનો સીઝફાયર તુટયો : સમગ્ર મધ્યપૂર્વ વિસ્તાર ફરી એકવાર ભયાનક વિનાશના આરે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભીષણ યુધ્ધ ફાટી નીકળ્યું
ઈરાને તેલઅવીવ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો : ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ઈરાનના 4 શહેરો પર હવાઈ હુમલો કર્યો : ઈરાન પર હુમલો નહીં કરવાની ટ્રમ્પની અપીલને નેતાન્યાહુએ ફગાવી
(એજન્સી) તેહરાન,તા.8:
મધ્ય પૂર્વ ફરી એકવાર ભયાનક વિનાશના આરે આવી ગયું છે, જ્યાં યુદ્ધની જ્વાળાઓ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. લેબનોન પર ઇઝરાયલના સતત વધી રહેલા સૈન્ય હુમલાના જવાબમાં, ગત મોડી રાત્રે ઈરાન અને હિઝબુલ્લાએ એકસાથે ઇઝરાયલ પર ચોંકાવનારો બેવડો હુમલો કર્યો હતો. ઈરાન તરફથી છોડવામાં આવેલી ચાર શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલો અને લેબનોન સરહદેથી હિઝબુલ્લાના આત્મઘાતી ડ્રોનના હુમલાને કારણે સમગ્ર ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. ઇઝરાયલની અત્યાધુનિક 'આયર્ન ડોમ' સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગના હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ એપ્રિલના યુદ્ધવિરામ બાદ સીધા ઈરાન તરફથી થયેલા આ પ્રહારને ઇઝરાયલે તેની 'રેડ લાઇન' નું ઉલ્લંઘન ગણાવ્યું છે.આ હુમલા બાદ ઇઝરાયલે પલટવાર કરવામાં સહેજ પણ સમય ગુમાવ્યો નથી અને વહેલી સવારે ઈરાનની ધરતી પર સીધા જ ઘાતક હવાઈ હુમલા કરીને બદલો લીધો છે. ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ઇસ્ફહાન, તબ્રીઝ, તેહરાન અને પશ્ચિમી ક્ષેત્રમાં આવેલા કર્ઝ શહેરમાં પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા, જ્યાં ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના મુખ્ય લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના સલાહકારે ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ હવે આગળ વધશે તો સમગ્ર પ્રદેશમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકોને ઈરાન કાયદેસરના લક્ષ્ય બનાવીને ફૂંકી મારશે. દરમ્યાનમાં ઈરાન પર વળતો હુમલો નહીં કરવાની ટ્રમ્પની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી હતી અને બન્ને દેશો વચ્ચે ભીષણ યુધ્ધ લડાઈ રહ્યું છે. જેના પરિણામ શું આવશે તેની કલ્પના માત્રથી દુનિયા ધ્રુજી ઉઠી છે.


