જી.એસ. મલિક ગુજરાતના નવા DGP નિયુક્ત
અમદાવાદ પોલીસ કમિશનરથી રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદે બઢતી, કે.એલ.એન. રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત રહેશે.
અમદાવાદ તા.6
ગુજરાત પોલીસ બેડામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ એટલે કે જી. એસ. મલિકને ગુજરાતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મૂળ હરિયાણાના જી. એસ. મલિક હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ અગાઉ BSF અને CISFમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2026થી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા. હવે જી. એસ. મલિકની કાયમી નિમણૂક થતા કે. એલ. એન. રાવ CID ક્રાઇમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.
રાજ્યના ગૃહ વિભાગે શનિવારે, 6 જૂને આ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો હતો. જી. એસ. મલિકની નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ-17 હેઠળ રૂ. 2 લાખ 25 હજારના નિશ્ચિત પગાર ધોરણ સાથે કરવામાં આવી છે.
જી. એસ. મલિક ઓક્ટોબર 2028 સુધી સેવા આપશે. તેમની નિમણૂક બાદ અમદાવાદ શહેરને પણ ટૂંક સમયમાં નવા પોલીસ કમિશનર મળવાની શક્યતા છે.
ગુજરાત સરકારના આ નિર્ણયને પોલીસ તંત્રમાં એક મહત્વપૂર્ણ વહીવટી બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.


