લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરૂધ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
જાે રાહુલ ગાંધીને સંસદમાં બોલવા દેવામાં નહીં આવે તો...
(એજન્સી) નવી દિલ્હી તા.૦૯
આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસના સાંસદો માંગ
કરી રહ્યા છે કે લોકસભામાં
રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવે. આ પછી જ તેઓ ગૃહની કાર્યવાહી ચાલવા દેશે. જોકે, સ્પીકર ઓમ બિરલા તેના પક્ષમાં નથી, કારણ કે તે નિયમોની વિરુદ્ધ છે. ઓમ બિરલાએ કહ્યું કે ગૃહની કાર્યવાહી નિયમો અનુસાર ચાલે છે અને તે જ રીતે ચાલશે. જાેકે, વિપક્ષે પણ ઉગ્ર વલણ અપનાવ્યું છે. અને લોકસભાના સ્પીકર ઓમ
બિરલા વિરૂધ્ધ અવિશ્વાસ
પ્રસ્તાવ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. આવું પ્રથમ વાર થઈ રહ્યું છે. જયારે લોકસભાના અધ્યક્ષ
સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય. અગાઉ રાજયસભાના તત્કાલીન ઉપસભાપતિ જગદીપ ધનખડ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના સભ્યોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આજે શરૂ થયાના પાંચ મિનિટ પછી જ બપોરના બાર વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ પક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.
જેના પગલે લોકસભા સ્પીકરે સંસદને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. અગાઉ શુક્રવારે પણ ભારે હોબાળાને કારણે સભા ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે પણ હોબાળાની શક્યતા છે.
શુક્રવારે રાજ્યસભામાં પણ પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને લઈને ઉગ્ર દલીલ થઈ હતી.
બિટ્ટુ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પહેલા સંસદ પરિસરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને ગદ્દાર
કહ્યા હતા, જેના પછી મોટો વિવાદ ઊભો થયો હતો.
લોકસભાની કાર્યવાહી બપોરના બે કલાક સુધી સ્થગિત
દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ લોકસભામાં વિપક્ષોએ સતત હોબાળો ચાલુ રાખતા ઓમ બિરલાના સ્થાને આવેલા પીઠાસીન અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે કલાક સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષોએ ઓમ બિરલા વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ દાખલ કરી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


