સુવેન્દુ અધિકારીની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે શપથવિધી

કલકત્તાના પરેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમીત શાહ અને ભાજપ શાસિત ર૦ રાજયોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધી કાર્યક્રમ યોજાયો : અધિકારી પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપી મુખ્યમંત્રી બન્યા

સુવેન્દુ અધિકારીની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે શપથવિધી

કોલકાતા તા.૦૯
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમણે બંગાળીમાં ભગવાનના નામે શપથ લીધા. શપથ લીધા પછી સુવેન્દુ વડાપ્રધાન પાસે ગયા અને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા.
બંગાળના રાજ્યપાલ આરએન રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય પાંચ ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. તેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પાલ, નિશિથ પ્રમાણિક અને અશોક કીર્તનિયાનો સમાવેશ થાય છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના ૨૦ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. મોદીએ મંચ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની ૧૬૫મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ત્યારબાદ વડાપ્રધાને મંચ પર ભાજપના ૯૮ વર્ષીય કાર્યકર માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારબાદ સરકારે લાંબા સમય સુધી વડાપ્રધાનને ગળે લગાવ્યા હતા.