તમિલનાડુમાં નવી સરકાર બનાવવાનું કોકડુ હજી પણ ગુંચવાયેલુ : સસ્પેન્સ યથાવત
ચેન્નઈ તા.09
તમિલનાડુમાં નવી સરકાર રચનાને લઈને ચાલી રહેલો રાજકીય સસ્પેન્સ હજુ પણ યથાવત છે. TVK ચીફ અને અભિનેતા વિજયે શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
પરંતુ તેમની પાસે માત્ર 116 ધારાસભ્યોનો જ સમર્થન પત્ર હતો. આ કારણે આજે યોજાનારો વિજયનો શપથ સમારોહ રદ થઈ ગયો છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVKએ ૨૩૪ માંથી 108 બેઠકો જીતી છે. આમાંથી બે બેઠકો પર વિજય જીત્યા છે.
જોકે, વિજયે રાજ્યપાલને TVK, કોંગ્રેસ, CPI, CPI(M)ના 116 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો. IUML અને VCKએ હજુ પણ સમર્થન પત્ર આપ્યો નથી. બંને પાસે 2-2 ધારાસભ્યો છે. વિજયને પણ બહુમતી માટે માત્ર 2 વધુ ધારાસભ્યો જોઈએ છે.
આ પહેલા વિજયે 6 અને 7 મેના રોજ પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ રાજ્યપાલે કહ્યું કે 118 ધારાસભ્યોનું સમર્થન દર્શાવ્યા વિના તેઓ સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકતા નથી.


