જૂનાગઢ મહાનગરપાલિકાનાં પ્રવેશ દ્વાર પાસે જ રખડતા ઢોરનાં અડીંગા..!

શહેરનાં તમામ વિસ્તારોમાં રખડતા ઢોરનાં ત્રાસ સામે કોઈ કાર્યવાહી થતી નથી : મનપા તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં પ્રવેશ દ્વાર પાસે જ રખડતા ઢોરનાં અડીંગા..!

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય સમય થયા તમામ માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહયો છે. ઠેર ઠેર રસ્તાઓ ઉપર પશુઓનાં ટોળા બેઠેલા જાેવા મળે છે. વાહન ચાલક કે રાહદારી ત્યાંથી પસાર થાય ત્યારે અચાનક કોઈ પશુ હુમલો કરી બેસે છે અને જેને કારણે રખડતા ઢોરનાં હડફેટે ચડી ઈજા પહોંચ્યાનાં બનાવો નોંધાયા છે. તાજેતરમાં જ અંબિકા ચોક વિસ્તારમાં એક તબિબને પણ રખડતા ઢોરએ હડફેટે લઈ અને ઈજા પહોંચાડી હતી જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ ઉઠવા પામેલ છે. શહેરમાં જયાં જુઓ ત્યાં રખડતા ઢોરનાં ટોળા ફરી રહયા છે અને આમજનતામાંથી વ્યાપક ફરીયાદો ઉઠેલી છે તેમ છતાં સંબંધિત તંત્ર કોઈ અસરકારક કામગીરી દાખવતું નથી તેવી ફરીયાદો સામે આવી છે. આ દરમ્યાન અત્રે પ્રસ્તુત તસ્વીરમાં જૂનાગઢ કોર્પોરેશનનું મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પશુઓ ઉભેલા જાેવા મળે છે. મનપા તંત્ર લોકોની ફરીયાદ નો સાંભળતુ નથી પરંતુ કોર્પોરેશનનાં દરવાજે ઉભેલા આ પશુ જાણે પોતાની વ્યથા રજુ કરવા આવ્યું હોય તેમ લાગે છે અમને સારૂ આશ્રય સ્થાન અને ખોરાક પુરો પાડો તો અમારે રોજે રોજનું રખડવું બંધ થાય, અમારા પ્રશ્નનો હલ થાય તો લોકોની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવું જાણે આ તસ્વીર દર્શાવતી હોય તેમ લાગે છે. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરને કારણે કોઈ ગંભીર બનાવ બને તે પહેલા મનપા તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.