જૂનાગઢમાં રૂા.રર કરોડનાં ખર્ચે રીનોવેશન કરાયેલા વાઘેશ્વરી તળાવનું લોકાર્પણ કયારે થશે ?

નરસિંહ સરોવરની જેમ દુર્દશા ન થાય તે માટે તળાવની જાળવણી  માટે  અસરકારક પગલા લેવા જરૂરી

જૂનાગઢમાં રૂા.રર કરોડનાં ખર્ચે રીનોવેશન કરાયેલા વાઘેશ્વરી તળાવનું લોકાર્પણ કયારે થશે ?

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરમાં આવેલા વધુ એક તળાવનાં નવસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મોટાભાગની કામગીરી પુર્ણતાને આરે છે ત્યારે વાઘેશ્વરી તળાવને કયારે ખુલ્લો મુકવામાં આવશે? તેવો સવાલ આજે ઉઠવા પામ્યો છે.
જૂનાગઢ શહેરમાં દાતાર રોડ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી તળાવના નવનિર્માણ માટેની યોજના હાથ ધરવામાં આવી હતી. વાઘેશ્વરી તળાવને નવા રૂપરંગ આપવા માટે તેમજ શહેરીજનો તેમજ અહીં આવતા પ્રવાસીઓને પણ ફરવા લાયક  વધુ એક સ્થળ મળી શકે તે માટે  વાઘેશ્વરી તળાવનાં નવસર્જન માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન વાઘેશ્વરી સરોવરને પીકનીક પોઈન્ટની યોજના અંતર્ગત સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા વાઘેશ્વરી તળાવની કામગીરી શરૂ  થઈ હતી. તળાવને વ્યવસ્થિત ઘાટ આપવામાં આવેલ અને બાંધકામની કામગીરી હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે  વાઘેશ્વરી તળાવમાં મુખ્ય ઘાટ, ગાર્ડન, વોક વે તેમજ તળાવને  નયનરમ્ય બનાવવાનાં ભાગરૂપે  વિવિધ કામગીરી હાથ ધરાઈ હતી અને મોટાભાગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. અને થોડી ઘણી કામગીરી બાકી છે. તેનું કામ ચાલી રહયું છે. રૂા.રર કરોડનાં ખર્ચે તળાવને વધુ સુંદર અને ભવ્ય બનાવવામાં આવ્યું છે. અહીં પ્રવાસી જનતા તેમજ નગરજનો પણ મુલાકાતે આવી શકે અને એક સારા સ્થળનો આનંદ લઈ શકે તે માટેની અંતિમ કક્ષાની કામગીરી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં નવીનીકરણ માટે અંદાજીત રૂા.૬૭ કરોડનાં ખર્ચે નરસિંહ મહેતા સરોવર નવું તૈયાર કરી  અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નરસિંહ સરોવરનાં લોકાર્પણ બાદ લોકોમાં સરોવરની મુલાકાતનું જબરૂ આકર્ષણ ઉભુ કર્યુ હતું. નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે લોકો હોશે-હોશે આવતા હતા અને શહેરને સુંદર મજાનું સ્થળ મળ્યુ તેનો આનંદ વ્યકત કરી અને પ્રશંસા પણ કરતા હતા. પરંતુ થોડો સમય નરસિંહ સરોવરનું આકર્ષણ રહયા બાદ  ધીમે ધીમે  મુલાકાતીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. નરસિંહ મહેતા સરોવર ખાતે પ્રાથમિક સુવિધાનો  અભાવ અને પાર્કિંગની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આડેધડ વાહનોનાં પાર્કિંગો થઈ રહયા છે. તળાવ પાછળ કરેલો ખર્ચ જાળવણીના અભાવે એળે ગયો હોવાનું લોકો ફરીયાદ કરે છે. નરસિંહ મહેતા સરોવર ખુલ્લા મુકયાના થોડા સમયમાં જ આવી હાલત થઈ છે. જેને લઈને તંત્રની બેદરકારી સામે આક્રોશ લોકોમાં જાેવા મળી રહયો છે. નરસિંહ સરોવરમાં વ્યવસ્થિત જાળવણી કરવાની માંગણી ઉઠી છે તો બીજીતરફ શહેરનું વાઘેશ્વરી તળાવે પણ વિકાસની કુચ કરી છે અને રૂા.રર કરોડનાં ખર્ચે નવસર્જન પામ્યું છે. અને મોટાભાગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. ત્યારે વાઘેશ્વરી તળાવ કયારે લોકાર્પણ થશે તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે.