બંગાળની ખાડી સહિત ઓડિશા અને બિહારમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
આવતીકાલે અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે આસામ અને મેઘાલયમાં ઓરેન્જ એલર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.13:
દેશમાં ચોમાસાની પ્રગતિને લઈને હવામાન વિભાગ (IMD) દ્વારા અત્યંત મહત્વના અને મોટા અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વધુ આક્રમક બનીને બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીના સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણપણે આગળ વધી ગયું છે. આ સાથે જ ચોમાસાએ પશ્ચિમ બંગાળ અને બિહારના વધુ કેટલાક ભાગો તેમજ ઓડિશા અને ઝારખંડના વિવિધ વિસ્તારોમાં સત્તાવાર રીતે ધમાકેદાર પ્રવેશે કરી લીધો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રચંડ વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગે કુદરતી આફતની ચેતવણી આપતા આવતીકાલે અસમ અને મેઘાલયમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે ‘ઓરેન્જ કલર‘ નું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતની સાથે બિહાર, કેરળ, માહે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની આશંકા છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આવતીકાલે દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ તેમજ કોંકણ અને ગોવામાં ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડું (થંડરસ્ટોર્મ) આવવાની આશંકા છે.


