સંઘનું કામ મુસ્લીમ વિરોધી નથી: કોઈપણ આવીને જાેઈ શકે છે: અમો કોઈના વિચાર બદલાવી શકીએ નહી: સંઘવડા

મતના રાજકારણ માટે બાબરી મસ્જીદ બંધાઈ રહી છે તે હિન્દુ કે મુસ્લીમના હિતમાં નથી બંધારણીય માન્યતા મળે કે ન મળે ભારત હિન્દુ રાષ્ટ્ર છે : ભાગવત

સંઘનું કામ મુસ્લીમ વિરોધી નથી: કોઈપણ આવીને જાેઈ શકે છે: અમો કોઈના વિચાર બદલાવી શકીએ નહી: સંઘવડા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક મહત્વના વિધાનમાં ભારત ’હિન્દુ‘ રાષ્ટ્ર જ છે તેવું જણાવીને ઉમેર્યુ હતું કે આ માટે કોઈ બંધારણીય મંજુરીની જરૂર નથી. અનેક વખત હિન્દુત્વ- ભારતીય સંસ્કૃતિ અને દેશને ફરી વિશ્વગુરૂ તરીકે સ્થાપવા માટે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની ભૂમિકા પર સ્પષ્ટ વિચારો સાથે રજુ થતા ભાગવતે એ પણ ઉમેર્યુ કે જયાં સુધી ભારત તેની સાંસ્કૃતિક વિરાસતને તથા ભૂતકાળની જે ભવ્યતા છે તેને જાળવી રાખવા તેને સમૃદ્ધ બનાવવા સતત કાર્ય કરતુ રહેશે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર બની જ રહેશે.
ભાગવતે કહ્યું કે સૂર્ય પુર્વમાંજ ઉગે છે કયારથી તે શરૂ થયું તે આપણે જાણતા નથી તો શું ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે બંધારણીય માન્યતાની જરૂર છે તેવો પ્રશ્ન ભાગવતે પૂછયો હતો.
તેઓએ પ.બંગાળમાં બાબરી મસ્જીદ બાંધકામ માટે થઈ રહેલી તૈયારીને રાજકીય હેતુ ગણાવતા કહ્યું કે ચુંટણી લાભ માટે ફરી બાબરી મસ્જીદનો મુદો ઉછાળવામાં આવી રહ્યો છે.
તેઓએ કહ્યું કે આરએસએસ એ મુસ્લીમ વિરોધી ભૂમિકા ધરાવતા નથી. સંઘ હંમેશા પારદર્શકતાથી કામ કરે છે. કોઈને શંકા હોય તો તે આવીને જાેઈ શકે છે.
તેઓ ગમે ત્યારે આવીને જાેઈ શકો છો. જાે તમને એવું કંઈ લાગે તો તમારા વિચારો રજુ કરો અને જાે ન લાગે તો તમારા વિચારો બદલો સંઘ માંની સમજવાનું ઘણું છે પણ જાે તમો સમજવા માંગતા ન હો તો કોઈ તમારી માનસીકતા બદલી શકે નહી.
હિન્દુસ્તાન એ હિન્દુ રાષ્ટ્ર જ છે જે કોઈ ભારતને તેની માતૃત્વની તેના સાંસ્કૃતિક વારસાને સ્વીકારે તે હિન્દુ છે અને તે રીતે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે. હાલ પ.બંગાળના પ્રવાસે રહેલા ભાગવતે એક પત્રકાર પરિષદમાં આ વિધાનો કર્યા હતા.
ભાગવતે કહ્યું કે સંઘની વિચારધારા ચુસ્ત રીતે હિન્દુત્વની છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે સંસદ જાહેર કરે કે ન કરે તેની ચિંતા કરતા નથી. સંસદ તે કરે તો સારુ છે પણ અમો તેની રાહ જાેતા નથી. આ સત્ય છે અને જ્ઞાતિપ્રથાએ જન્મથી નિશ્ચિત થાય છે તેને હિન્દુત્વનો કોઈ સિકકો ગણી શકાય નહી. આ પ્રકારે બાબરી મસ્જીદનું બાંધકામ મત મેળવવા માટે છે તે હિન્દુ કે મુસ્લીમ કોઈના હીતમાં નથી. આ વિવાદ પુરો થવા આવ્યો હતો અને સર્વત્ર સુમેળની સ્થિતિ હતી પણ ફરી ભાગલાની કોશીશ થઈ રહી છે. આ પ્રકારના કામ મતો માટે થાય છે જે થવા જાેઈએ નહી. તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓએ એકતા દર્શાવવી પડશે તેવું પણ મંતવ્ય દર્શાવ્યુ હતું.