જયપુર - અજમેર હાઈવે પર ટેન્કર - ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : ૩૦૦ એલપીજી સિલિન્ડર ફાટયા

જયપુર - અજમેર હાઈવે પર ટેન્કર - ટ્રક વચ્ચે ભયાનક ટક્કર : ૩૦૦ એલપીજી સિલિન્ડર ફાટયા

જયપુર તા. ૮
ગત મોડી રાત્રે રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઇવે પર એક મોટો અકસ્માત થયો હતો. એલપીજી સિલિન્ડરો ભરેલા ટ્રક અને એક ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ, જેના પછી ટ્રકમાં રાખેલા એક પછી એક લગભગ ૩૦૦ સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે અને બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી તેના અવાજ સંભળાયા હતા. અહેવાલો અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગને કારણે થયો હતો. આરટીઓ ચેકિંગથી બચવા માટે ટેન્કરના ડ્રાઇવરે અચાનક પોતાનું વાહન ઢાબા  તરફ વાળી દીધું. આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ, જેના કારણે આ ગંભીર ઘટના બની. ટ્રકમાં ૩૦૦થી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. 
ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ બે કલાક સુધી સિલિન્ડર ફાટતા રહ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓએ સખત પ્રયત્નો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.