POKમાં હોબાળો, પાકિસ્તાનમાં નહીં, પાકિસ્તાનથી આઝાદી જાેઈએ, બલૂચ નેતાએ કરી મોટી જાહેરાત

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને એક કેદખાનું બનાવી દીધું છે, જ્યાં જનતા પોતાના જ દેશમાં પારકી બનાવી દીધી

POKમાં હોબાળો, પાકિસ્તાનમાં નહીં, પાકિસ્તાનથી આઝાદી જાેઈએ, બલૂચ નેતાએ કરી મોટી જાહેરાત

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૮
પાડોશી દેશ પાકિસ્તાનના અશાંત વિસ્તારમાં હવે વધુ એક મોર્ચો ખૂલી ગયો છે. બલૂચ રાષ્ટ્રવાદી નેતા મીર યાર બલોચે એલાન કર્યું છે કે હવે અમને પાકિસ્તાનમાં નહીં પણ પાકિસ્તાનથી પણ (આઝાદી) છૂટકારો જાેઈએ. તેમણે કહ્યું કે, ઈસ્લામાબાદે બલૂચિસ્તાન બાદ POK એટલે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને એક કેદખાનું બનાવી દીધું છે, જ્યાં જનતા પોતાના જ દેશમાં પારકી બનાવી દીધી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે POKમાં હિંસક વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતિ એકદમ ખરાબ થઈ ચૂકી છે. ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલા આંદોલનમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત અને અસંખ્ય લોકો ઘાયલ થવાના સમાચાર સાથે પાકિસ્તાનની સત્તાને હચમચાવી નાખી છે. હવે મીર યાર બલોચના આ નિવેદને ઈસ્લામાબાદમાં રાજકીય અને સૈન્ય બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.
જમ્મુ કાશ્મીર જાેઈન્ટ અવામી એક્શન કમિટીની આગેવાનીમાં ચાલી રહેલા POK આંદોલને ગત અઠવાડિયે હિંસક રૂપ લઈ લીધું. પ્રદર્શનકારીઓએ ૩૮ માગનો ચાર્ટર સોંપ્યો હતો. તેમાં ઊંચા વીજળી બિલ, ટેક્સમાં કાપ અને સ્થાનિક સ્વશાસનની માગ સામેલ હતી. પણ વાતચીત બગડતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ ગઈ.
ત્રણ પોલીસકર્મીઓ સહિત ૧૦ લોકોના મોત બાદ હવે સરકારે આંદોલનકારીઓ સાથે સમાધાન પર હસ્તાક્ષર કર્યા છે. જાે કે મીર યાર બલોચે તેને નકલી શાંતિ ગણાવી અને કહ્યું કે, POKમાં જે થઈ રહ્યું છે, તે પાકિસ્તાનના અસલી ચહેરાને ઉજાગર કરે છે. એક એવું શાસન જે પોતાના જ લોકોને ગોળીઓથી ચૂપ કરાવે છે.
બલૂચ નેતા મીર યાર બલોચે પોતાના એક લેખમાં કહ્યું કે, POKના લોકો આઝાદી ઝંખે છે, પાકિસ્તાનની ગુલામી નહીં. અમે ખાલી બલૂચિસ્તાન નહીં, પણ આખા POKને પાકિસ્તાનની સેનાની ગુલામીમાંથી મુક્ત જાેવા માગીએ છીએ.
તેમણે આરોપ લગાવ્યો કે, ISI અને પાક સેનાએ POKમાં હજારો હથિયારબંધ જૂથ બનાવ્યા છે, જે નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે. બલોચે કહ્યું કે આ વિસ્તાર જન્નત નહીં પણ જેલ બની ચૂક્યો છે. મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપીય દેશોને અપીલ કરી કે તેઓ POK અને બલૂચિસ્તાનની જનતા માટે માનવાધિકાર આયોગની તપાસ મોકલે અને પાકિસ્તાનની કાર્યવાહી પર રોક લગાવે. તેમણે કહ્યું કે, અમે હવે ખાલી પોતાના માટે નથી લડી રહ્યા પણ એ તમામ માટે જે પાકિસ્તાનનો અત્યાચાર વેઠી રહ્યા છે.