મહેર શક્તિ સેનાની બહેનોએ સરહદના વીર જવાનો માટે મોકલી હાથથી બનાવેલી અમર રાખડીઓ

રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશની વિવિધ સરહદો પર ફરજ બજાવતા ફૌજી ભાઈઓની સલામતી, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે બહેનોએ પાઠવ્યા શુભકામના-આશીર્વાદ

મહેર શક્તિ સેનાની બહેનોએ સરહદના વીર જવાનો માટે મોકલી હાથથી બનાવેલી અમર રાખડીઓ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧ર
આગામી ઓગસ્ટ માસમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ અને અતૂટ બંધનના પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ મહેર શક્તિ સેના મહિલા પાંખ દ્વારા દેશની સરહદો પર રાત-દિવસ પહેરેદારી કરી દેશની સુરક્ષામાં અડીખમ ફરજ બજાવતા વીર જવાનો માટે બહેનોએ પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ મોકલવામાં આવી છે. તા.૧૧-૮-૨૦૨૬ના રોજ મહેર શક્તિ સેનાની કચેરી ખાતે સંસ્થાની બહેનો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં આ રાખડીઓ વિવિધ સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા ફૌજી ભાઈઓ માટે મોકલવામાં આવી હતી. જેમાં વાઘા બોર્ડર, કચ્છ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિત દેશની વિવિધ સરહદી પોસ્ટ પર ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધવાના શુભ આશયથી આ રાખડીઓ મોકલાઈ છે. મહેર સમાજ અને ગ્રામજનો માટે સતત સામાજિક સેવા કરતી શ્રી મહેર શક્તિ સેના દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી દેશની રક્ષા માટે પરિવારથી દૂર રહી ફરજ બજાવતા ફૌજી જવાનો પ્રત્યે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણી વ્યક્ત કરવામાં આવે છે. બહેનો દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવેલી રાખડી માત્ર પ્રેમનું પ્રતિક જ નહીં પરંતુ સરહદના જવાનોની સલામતી, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટેની પ્રાર્થના તથા આશીર્વાદનું પણ પ્રતિક બની છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને નિવૃત્ત ફૌજી કરશનભાઈ ઓડેદરાએ ફૌજી ભાઈઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ફૌજી જવાનો જ્યારે દેશની સરહદની રક્ષા માટે રાત-દિવસ જાગતા રહે છે ત્યારે દેશવાસીઓ નિશ્ચિંત બની આરામની જિંદગી જીવી શકે છે. તેમણે પરમાત્મા દેશના બહાદુર જવાનોને સ્વસ્થ, તંદુરસ્ત અને સુરક્ષિત રાખે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થાના મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરાએ પણ ફૌજી ભાઈઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, રાખડીના સુતરના દરેક તાર સાથે દેશની બહેનોની શુભેચ્છા અને આશીર્વાદના અતૂટ બંધનો જોડાયેલા છે. પરિવારથી દૂર રહી વિકટ પરિસ્થિતિઓ અને કપરા વાતાવરણ વચ્ચે દેશની સુરક્ષા માટે અડીખમ ઉભા રહેતા જવાનો તથા તેમના પરિવારજનોને પરમાત્મા સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી તેમણે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા, સમાધાન સમિતિ અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા પ્રમુખ માલદેભાઈ ઓડેદરા, મહિલા મહામંત્રી શ્રીમતી મંજુબેન મોઢવાડીયા, પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ કડછા, કુતિયાણા તાલુકા પ્રમુખ વિજયભાઈ ઓડેદરા તેમજ કારોબારી સભ્યો વેજાભાઈ ઓડેદરા, અભુભાઈ રાતિયા, લખુભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા, લખનભાઈ કારાવદરા અને સભ્ય વાલીબેન ભુતીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહેર શક્તિ સેનાની બહેનોએ દેશની સરહદોની સુરક્ષા માટે ફરજ બજાવતા તમામ ફૌજી જવાનોને રક્ષાબંધન પર્વની હાદિર્ક શુભકામનાઓ પાઠવી, તેમની સલામતી, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી.