જૂનાગઢની લો કોલેજમાં ‘બૌધિક સંપદાના અધિકારોમાં ઉદ્યોગ સાહસિકતા‘ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી તેમજ કેસીજીના નેજા હેઠળ કાર્યરત ઇનોવેશન ક્લબ કાર્યક્રમ અંતર્ગત સારથી એકટીવિટીના ચોથા તબક્કામાં બૌધિક સંપદાના અધિકારોમા ઉદ્યોગ સાહસિકતા‘ વિષય પર એક દિવસીય કાર્યમાળા યોજાઇ હતી. પ્રાસંગિક પ્રવચન અને વર્કશોપના પ્રથમ વ્યાખ્યાસત્ર આપતા કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચે બૌધિક સંપદામાં આવતા પેટન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન, ડિઝાઇન વિશેના કાયદાઓ અંગે જણાવ્યું હતું. તેમજ કાયદાકીય કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યશાળાના મુખ્ય વક્તા ઉપસ્થિત રહેલા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટીના કેમિસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને યુનિવસિર્ટીની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેલના ડાયરેક્ટર ડો. મૃણાલ અંબાસણાએ યુનિવસિર્ટીમા સ્થાપિત SSIP સેલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ બૌધિક સંપદામાં આવતા પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ડિઝાઇન અને જિયોગ્રાફિકલ ટેગ અંગે સમજણ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા ઇનોવેશન અને સ્ટાર્ટઅપના વિવિધ ઉદાહરણો આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતા રજીસ્ટ્રેશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇનની ઓળખ અંગે પણ માહિતી આપી હતી. ત્રીજા સત્રમાં ડો. સંજય જી. ધાનાણી દ્વારા કાયદામા સ્ટાર્ટઅપ કરવા માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ પ્રક્રિયા કરવામાં આવતા પડકારો અંગે જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ ડો. કલ્પનાબેન રાઠોડ સહિતના કોલેજના વહીવટી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.


