નબળી નેતાગીરીને કારણે ગીરનારની રૂા. 114 કરોડની વિકાસની યોજના માત્ર કાગળ પર ?

યાત્રાળુઓની સુરક્ષા તેમજ અનેકવિધ સુવિધા સમાન ભવનાથ તળેટી તેમજ ગીરનારનાં સર્વાંગી વિકાસની યોજના પર તત્કાલ અમલવારી કરવા માંગ

નબળી નેતાગીરીને કારણે ગીરનારની રૂા. 114 કરોડની વિકાસની યોજના માત્ર કાગળ પર ?

જૂનાગઢ તા. 13
દેશનાં મહત્વનાં યાત્રાધામ પૈકીનાં જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી તેમજ ગીરનાર ક્ષેત્રનાં સર્વાંગી વિકાસ માટેની રૂા. 114 કરોડની વિકાસની યોજનાને રાજય સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા સૈધ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી હતી પરંતુ આ યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે. નબળી નેતાગીરીનાં કારણે યેનકેન પ્રકારે ઉપરોકત યોજના ટલ્લે ચડી ગઈ છે ત્યારે વહેલી તકે ગીરનાર ક્ષેત્રનાં સર્વાંગી વિકાસ માટેની આ યોજનાને સાકાર સ્વરૂપ આપવાની લાગણી બુલંદ બની છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકાર દ્વારા સુપ્રસિધ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન એવા ગરવા ગઢ ગીરનારનાં વિકાસ કામ માટેની રૂા. 114 કરોડની વિકાસ યોજનાને વર્ષ 2023નાં જુલાઈ મહીનામાં સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. તળેટીથી લઈ અંબાજી મંદીર અને દતાત્રેય ટુંક સુધી પાથવે 3 મીટર પહોળો કરીને નવાજ પગથીયાનું વિસ્તૃતિકરણ કરવાની યોજના હતી પરંતુ આ યોજના હજુ સુધી અમલમાં આવી નથી. મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મંજુરી આપવામાં આવી હતી જેમાં ગીરનાર પર્વત પર તળેટીથી દતાત્રેય ટુંક સુધી પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગીરનાર પર પાણીની વ્યવસ્થા હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગીરનારની વિકાસની કામગીરી શરૂ નહી થતાં યાત્રીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
દેશભરમાંથી ગરવા ગીરનાર ખાતે લાખો યાત્રાળુઓ પ્રવાસ માટે આવે છે અને વિવિધ ધામિર્ક સ્થળોની મુલાકાત લેતા હોય છે. પર્વતીય ક્ષેત્ર અને જંગલ વિસ્તારમાં આવેલા આ ધર્મસ્થાનો ભાવિકો માટે આસ્થાનાં કેન્દ્રો છે. રોપ-વે મારફત પણ લાખો શ્રધ્ધાળુઓ અંબાજી માતાજીનાં દર્શને આવે છે. આ ઉપરાંત અંબાજી મંદીર સુધી જવાનો સીડીઓનો માર્ગ એટલે કે 5500 પગથીયાની પદયાત્રા કરીને પણ ભાવિકો શ્રધ્ધાપૂર્વક અંબાજી માતાજી તેમજ ગુરૂ દત્તાત્રેયની ટુંક ઉપર દર્શન માટે જતા હોય છે. યાત્રાળુઓ માટેની સીડીઓ ઉપર કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે પણ ભાવિકોને ભારે તકલીફ પડી રહી છે. પીવાના પાણીથી લઈ લાઈટની પણ વ્યવસ્થા ન હોવાને કારણે ઘણીવાર વન્યપ્રાણીઓની હડફેટે ચડી જતા હોય છે અને અઘટિત ઘટનાઓ બનતી હોય છે. તાજેતરમાં જ ગત શનિવારે એક કમકમાટી ભર્યો બનાવ બનવા પામ્યો હતો જેમાં ગીરનાર સીડીનાં 50 પગથીયે અચાનક સિંહ આવી જતાં એક 12 વર્ષનાં બાળકને લઈને જતો રહયો હતો.
સિંહનાં હુમલામાં આ બાળકનું મૃત્યું થયું હતું અને યાત્રાળુઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ગીરનાર ઉપર પદયાત્રાએ આવતા યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટેનાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે યાત્રાળુને સુરક્ષા સાથે અનેક પ્રકારની સુવિધાઓ માટેની યોજના જે સરકારે મંજુર કરી છે તે રૂા. 114 કરોડની વિકાસશીલ યોજનાને ઝડપભેર આગળ વધારવા અને પરીપૂર્ણ કરવાની માંગણી ઉઠવા પામી છે.

યાત્રીકોની સલામતી - સુરક્ષા તેમજ સુવિધા માટે તુરંત કાર્યવાહી કરવાની મનપા વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાની માંગણી
જૂનાગઢ ગરવા ગીરનાર ખાતે આવનારા યાત્રાળુઓની સુવિધા માટે અનેકવિધ પગલાઓ લેવાની જરૂર છે તેમજ હિંસક પ્રાણીઓનાં સંભવિત હુમલા સામે પણ તકેદારીનાં પગલા લેવાની માંગણી મનપા વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ કરી છે.
તાજેતરમાં ગીરનારની યાત્રાએ આવેલા એક પરીવારનાં 12 વર્ષનાં બાળકનું સિંહનાં હુમલાનાં બનાવમાં મૃત્યું થયું છે જેને લઈને સુરક્ષાનાં પગલા લેવા માટેની માંગણી વધુ બુલંદ બની છે.
લલિત પણસારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા ભવનાથ તળેટી અને ગીરનાર ક્ષેત્રનાં સર્વાંગી વિકાસ માટેની રૂા. 114 કરોડની વિકાસશીલ યોજના વહેલીતકે શરૂ કરવાની માંગણી કરી છે. તેઓએ વધુમાં જણાવેલ કે જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન છે. ધારાસભ્ય - સાંસદસભ્ય ભાજપનાં છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ ભાજપની છે ત્યારે આ યોજનાને મૂર્તિમંત અને સાકાર કરવામાં કયાં અડચણ આવે છે તેવો સવાલ ઉઠાવેલ છે. વનવિભાગની મંજુરીનો પ્રશ્ન હોય તો વહેલી તકે મંજુરી માટેની કાર્યવાહી કરવી પડે અને જયાં સુધી વિકાસશીલ યોજના માટે વનવિભાગની મંજુરી મળતી ન હોય તો વન વિભાગે વન્યપ્રાણીઓનાં હુમલા થતા અટકાવવા માટે તકેદારીનાં પગલા ભરવા જાેઈએ. એટલું જ નહી રોપ-વે યોજના શરૂ થયા બાદ કરોડોની આવક દર વર્ષે થાય છે અને સરકારને આવક મળે છે ત્યારે દરેક પ્રકારનાં અંતરાયો દુર કરી વિકાસશીલ યોજનાને વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી લલિત પણસારાએ કરી છે.