ભવનાથમાં સુદર્શન તળાવ પાસે ઓપરેશન ડિમોલીશન : ૬૦ જેટલા હથિયારો ઝડપાયા
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મહા મેળો યોજવામાં આવનાર છે. આ વર્ષે શિવરાત્રી મેળો દિવ્ય અને ભવ્ય બનાવવાનાં ધરખમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા દોઢ માસથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ભવનાથના સુદર્શન તળાવ પાસે શિવ ગિરિ ગુરૂ જયદેવ ગિરી દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ એસ.ડી.એમ. અને પોલીસ કાફલાની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી આશરે ૬૦ જેટલા હથિયારો મળી આવ્યા હતા. આ જથ્થામાં તલવાર, ભાલા, ધારિયા, છરા અને કોષ જેવા જાેખમી શસ્ત્રોનો સમાવેશ થાય છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન પ્રાંત અધિકારી અને શિવરાત્રી મેળાનાં અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુદર્શન તળાવ પાસે શિવગીરી ગુરૂ જયદેવગીરી સાધુનાં વેશમાં રહેતો હતો અને અહીં આવતા પ્રવાસી ભાવિકો, વેપારીઓને પણ હેરાન કરતો હતો તેમજ ગમે તેને મારી બેસતો હતો જેની અનેક ફરીયાદો તેના વિરૂધ્ધ મળી હતી જેના આધારે શિવગીરી ગુરૂ જયદેવગીરીનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ૬૦ જેટલા હથિયારો મળી આવ્યા હતા અને આ અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી. ભવનાથ પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી અન્યદબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.



