જૂનાગઢ શહેર જીલ્લામાં એલપીજીનો પુરતો પુરવઠો છે
જરૂરીયાત મુજબ ગ્રાહકોને રીફીલ મળી જશે - સંગ્રહાખોરી કરનાર સામે કડક કાર્યવાહી થશે : જીલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર "બુકીંગ તેમજ જાણકારી માટે જે તે એજન્સીનો નંબર ડાયલ કરવામાં આવે છે ત્યારે ફોન બંધ હોવાની ગ્રાહકોની વ્યાપક ફરીયાદ"
જૂનાગઢ તા. ૧૪
મીડલ ઈસ્ટ ચાલી રહેલા યુધ્ધનાં કારણે ઓઈલ પુરવઠો તેમજ રાંધણગેસનાં પુરવઠા ઉપર ગંભીર અસર પડી રહી હોવાને કારણે દરેક શહેરોમાં અફરાતફરીનો માહોલ છે જૂનાગઢ શહેરમાં પણ વિવિધ ફરીયાદો ગ્રાહકોની ઉઠવા પામી છે કે ગ્રાહકો ગેસ એજન્સીમાં જયારે રીફલ માટે બુકીંગ કરાવવાની પ્રક્રિયા માટે ફોન કરવામાં આવે છે અથવા તો ઓનલાઈન બુકીંગની પ્રક્રિયા કરાય છે ત્યારે જે તે એજન્સીનાં નંબર લાગતા નથી અથવા તો બુકીંગ પણ થતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે લોકોને ધરપત આપી છે કે, જૂનાગઢ શહેર અને જીલ્લામાં જરૂરીયાત મુજબ ડોમેસ્ટીક એલપીજી સિલિન્ડર મળી જશે જેથી કોઈએ બિનજરૂરી બુકીંગ કરવું નહી, પેનિકનાં આ સમયગાળામાં ખોટી અંધાધુંધી સર્જવી નહી તેમ જણાવી જીલ્લા પુરવઠા અધીકારીએ જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટરશ્રી પણ કંપનીઓ સાથે સંપર્કમાં છે તેમજ ડીલર્સો સાથે પણ બેઠક બોલાવી પરિસ્થિતિનો કયાસ કાઢવામાં આવ્યો હતો અને જે તે કંપનીઓ ડીલર્સો દ્વારા ગેસ રીફીલ નોંધાવવાની પ્રક્રિયામાં જે સમયગાળો નિયત કરવામાં આવેલ છે તે મુજબ જે તે ગ્રાહકોને નિયત સમયમાં જ ગેસ સિલિન્ડર મળી જશે અને ચિંતાનું કોઈ કારણ નથી. આ સાથે જ ડોમેસ્ટીક ગેસ રીફીલનો અન્ય ઉપયોગ કરનારાઓ સામે કડક ચેતવણી પણ આપી છે.
ડોમેસ્ટીક ગેસ રીફીલનો અન્યત્ર ઉપયોગ કરવામાં આવશે અથવા તો તેનો દુરૂપયોગ થશે તેમજ સંગ્રહાખોરી કરવામાં આવશે તો તેના વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારાનાં ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ અને ચેતવણી જીલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે આપી છે.


