ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવીડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાયો
કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી રમેશ કટારાએ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ૧૬૯ ટકાના દરે ડિવીડન્ડની ૬.૩૩ કરોડ રકમ રાજ્ય સરકારને આપી : સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ૪૨.૮૨ કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું
(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ૨૦૨૪-૨૫ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂા.૬.૩૩ કરોડનો ચેક કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારાએ અર્પણ કર્યો હતો. રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ ૪૨.૮૨ કરોડ રૂપિયાનું ડિવીડન્ડ ચૂકવ્યું છે.
‘ગુરાબિની’ બ્રાન્ડ હેઠળ રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ખ્યાતિ પામેલા નિગમના બિયારણોની મોટી માંગ રહે છે. એટલું નહિ, ૧૦૭૦ ક્વિન્ટલ ઉત્પાદન અને ૮૩૫ ક્વિન્ટલ વિતરણથી શરૂ થયેલી બીજ નિગમની સફળતા ૨૦૨૪-૨૫માં ૩ લાખ ૩૪ હજાર ૭૩૯ ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી વિસ્તરી છે. રાજ્યમાં પ્રમાણિત બીજની જરૂરિયાત સામે ગુજરાત રાજ્ય બીજ નિગમ મસાલા પાકમાં ૩૦ ટકા, ધાન્ય પાકોમાં ૧૯ ટકા, કઠોળ પાકોમાં ૧૪ ટકા અને તેલિબિયા પાકોમાં ૧૦ ટકા બિયારણ ઉત્પાદન અને વિતરણ કર્યુ છે.
મુખ્યમંત્રીને ૨૦૨૪-૨૫ના વર્ષના ગુરાબિનીના આ ડિવીડન્ડ ચેક અર્પણ અવસરે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ-ખેડૂત કલ્યાણ નિગમના અગ્ર સચિવ આર.સી. મીના, નિગમના એમ.ડી. રાજપૂત અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


