પોરબંદરમાં NH-૨૭ અને NH-૫૧ પરના અનધિકૃત દબાણો સામે NHAIનું કડક અભિયાન
ROWમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો, અનધિકૃત પ્રવેશમાર્ગો અને મિડિયન ગેપ દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૫
પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-૨૭ અને NH-૫૧ની રાઈટ ઓફ વે(ROW)માં આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદેસર બાંધકામો, મંજૂરી વિના બનાવવામાં આવેલા પ્રવેશમાર્ગો(Unauthroized Access), અનધિકૃત મિડિયન ગેપ તથા અન્ય અવરોધો દૂર કરવા NHAI દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દબાણ કરનાર તથા સંબંધિત વ્યક્તિઓને નિયમોનુસાર નોટિસો આપવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો અને અવરોધો દૂર નહીં કરવામાં આવે તો NHAI દ્વારા નિયમોનુસાર કડક અમલીકરણ કાર્યવાહી કરવામાં આવશે. તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬થી NHAI PIU રાજકોટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી પોરબંદર જિલ્લામાં વિશેષ અમલીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાઇટ એન્જિનિયર વત્સલ પરસાણીયા તથા પ્રશાંત રાંગારીની આગેવાની હેઠળ ચાલી રહેલી કામગીરીમાં NHની ROWમાં આવેલા તમામ અનધિકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે. હાઇવેને અડીને આવેલી ખાનગી મિલકતો, હોટેલ, પેટ્રોલ પંપ તથા ઔદ્યોગિક એકમો દ્વારા બનાવવામાં આવેલા મંજૂરી વિનાના પ્રવેશમાર્ગો બંધ કરવામાં આવશે. માર્ગ સલામતી માટે જોખમી તમામ અનધિકૃત મિડિયન ગેપ પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. NHAIની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર સામે લાગુ નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લાહ ખાને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર સંપત્તિ છે. રોડ યુઝર્સના જીવના જોખમે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પ્રવેશ, દબાણ કે અનધિકૃત મિડિયન ગેપને હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કરવામાં આવતી કોઈપણ વિનંતી કે રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
NHAI દ્વારા દબાણ તથા અનધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી દરમિયાન થનાર સંપૂર્ણ ખર્ચ, નુકસાન તથા અન્ય જવાબદારી સંબંધિત વ્યક્તિ કે સંસ્થા પાસેથી નિયમોનુસાર વસૂલ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRT&H)ના લાગુ નિયમો અને પરિપત્રો મુજબ ખાનગી મિલકત, હોટેલ, પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો તથા અન્ય સંસ્થાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવેશ માટે NHAIપાસેથી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે.
મંજૂરી વિના બનાવવામાં આવેલ પ્રવેશમાર્ગ ગેરકાયદેસર ગણાશે અને તેને દૂર કે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રોડ યુઝર્સની સલામતી સુનિશ્ચિત કરવા, માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા તથા પોરબંદર જિલ્લામાં સુરક્ષિત, અવરોધમુક્ત અને સુવ્યવસ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવવા NHAI દ્વારા તમામ નાગરિકો, વેપારીઓ અને મિલકત ધારકોને પોતાના અનધિકૃત દબાણો, પ્રવેશમાર્ગો તથા અન્ય અવરોધો સ્વયં અને સ્વખર્ચે તાત્કાલિક દૂર કરી NHAIની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


