મુખ્યમંત્રીના હસ્તે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો ભવ્ય પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો ભવ્ય પ્રારંભ

(બ્યુરો) ભુજ, તા.૫
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ-૨૦૨૫નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વડાપ્રધાનનું સપનું સાકાર થયું છે. રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી વડાપ્રધાનની પ્રેરણાથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કર્યુ હતું. તેમણે કચ્છના પ્રવાસનને વેગ આપવા લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. ૧૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ કર્યા હતા.  મુખ્યમંત્રીએ કહ્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યુ હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ‘નો એવોર્ડથી નવાજ્યુ છે.