સુત્રાપાડામાં ૯, માંગરોળમાં ૮.પ ઈંચ ધોધમાર વરસાદ
હાથીયાએ સૂંઢ ફેરવતા નવરાત્રીના કાર્યક્રમો રદ્દ : પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, દીવમાં રેડ એલર્ટ
(ડેસ્ક) જૂનાગઢ તા.ર૯
એક તરફ દેશમાંથી ચોમાસાની વિદાયના અહેવાલો આવી રહ્યા હતા તે વચ્ચે ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા મેઘરાજાએ સૌરાષ્ટ્રની ધરાને ફરી એકવાર રસતરબોળ કરી દીધી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ માંગરોળ ખાતે આજે બપોરના ૧ર કલાકે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૮.પ ઈંચ વરસાદ ખાબકતા માંગરોળ શહેર જળબંબાકાર થઈ ગયું છે. માંગરોળ શહેરમાં આજે સવાર સુધીમાં ૧૧ર મીમી તથા ત્યારબાદ છેલ્લા ૪ કલાકમાં વધુ ૧૦ર મીમી વરસાદ ખાબકતાં કુલ ર૧૪ મીમી ૮.પ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં પણ મેઘરાજાએ જાેરદાર બેટીંગ કરતા ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળ અને સુત્રાપાડા ઉપરાંત જૂનાગઢ જીલ્લામાં અન્યત્ર જાેઈએ તો, માણાવદર પપ મીમી, વંથલી ૭પ મીમી, જૂનાગઢ પપ મીમી, ભેસાણ ૭૦ મીમી, વિસાવદર ૧૦૪ મીમી, મેંદરડા ૬ર મીમી, કેશોદ ૧૧ર મીમી, માળીયા હાટીના ૧૦ર મીમી, વરસાદ નોંધાયો છે. આમ જતા જતા મેઘરાજાએ જૂનાગઢ જીલ્લાને ફરી
એકવાર પાણી-પાણી કરી
દીધો છે. ભારે વરસાદને કારણે નવરાત્રીના આયોજનોને રદ્દ કરવાની ફરજ પડી છે.
આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે ૧૧ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે ૩૦ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.
ચોમાસાની વિદાય સમયે રવિવારે બપોર બાદ અચાનક સોરઠ, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો હતો.
જુનાગઢ શહેરમાં ગત રાત્રે ૧૦ વાગ્યે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો જેના કારણે નવરાત્રીની મજા બગડી ગઈ હતી શહેરમાં થતી પ્રાચીન, અર્વાચીન ગરબીઓમાં સાતમા નોરતે રાત્રીના વરસેલા વરસાદે ખેલૈયાઓ અને બાળાઓને નિરાશ કર્યા હતા.
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા પાર્ટી પ્લોટોમાં
થતી મોટા ભાગની ગરબીઓ વરસાદના કારણે બંધ રહી
હતી. ઝાંઝરડા રોડ વણઝારી
ચોક નરસિંહ મહેતાના ચોરા
ખલીપુર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં પ્રાચીન ગરબીઓ પણ બંધ રાખવાની ફરજ પડી હતી.
દરમિયાન આજે બીજા દિવસે પણ જુનાગઢ જિલ્લામાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. દરિયાઈ વિસ્તાર માંગરોળમાં સવારે પ્રારંભિક ચાર કલાકમાં ૧૦ર મીમી વરસાદ ખાબકતાં માંગરોળ શહેરમાં પાણી પાણી થઈ ગયું છે.


