મહિલા સશક્તિકરણની દિશામાંગોઢાણીયા મહિલા કોલેજના ANO ઓફિસર શાંતિબેન ભૂતિયાનું ગૌરવપૂર્ણ સન્માન

મહિલા સશક્તિકરણની દિશામાંગોઢાણીયા મહિલા કોલેજના ANO ઓફિસર શાંતિબેન ભૂતિયાનું ગૌરવપૂર્ણ સન્માન

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૫
પોરબંદર સ્થિત ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજના ANO ઓફિસર, પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ કોચ તેમજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય શાંતિબેન ભૂતિયાને સમાજ ઉપયોગી અને પ્રેરણાત્મક કામગીરી બદલ Sprots Yoga and Culture Association દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, ખેલપ્રેમીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિબેન ભૂતિયા વર્ષોથી મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ માટે સમપિર્ત ભાવથી કાર્ય કરી રહ્યા છે. તેઓ કોલેજમાં ANO ઓફિસર તરીકે વિર્દ્યાથિનીઓમાં શિસ્ત, દેશભક્તિ અને નેતૃત્વ ગુણો વિકસાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. સાથે જ સ્પોર્ટ્સ કોચ તરીકે દીકરીઓને શારીરિક રીતે મજબૂત બનાવી સુરક્ષા સેવાઓમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમની કામગીરીનો વિશેષ પાસો એ છે કે તેઓ કોઈપણ જાતિ-વર્ગના ભેદભાવ વિના દીકરીઓને આર્મી, એરફોર્સ, નેવી, પોલીસ અને ફોરેસ્ટ જેવી સેવાઓમાં જોડાવા માટે નિ:સ્વાર્થ માર્ગદર્શન આપે છે. દોડ, ગ્રાઉન્ડ ટ્રેનિંગ, લેખિત પરીક્ષા માર્ગદર્શન અને વ્યક્તિત્વ વિકાસ માટે તેઓ નિયમિત તાલીમ આપતા રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક દીકરીઓ સરકારી સેવાઓમાં પસંદગી મેળવી સમાજમાં પ્રેરણાસ્ત્રોત બની છે. ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે તેમનું કાર્ય આશીર્વાદ સમાન બન્યું છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ કિશોરીઓના પુનર્વસન અને માર્ગદર્શન માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના કાર્યમાં માનવતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે. સન્માન સમારોહમાં સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શાંતિબેન ભૂતિયાનો સેવાભાવી અભિગમ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. તેમને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
શાંતિબેન ભૂતિયાનું લક્ષ્ય છે કે પોરબંદર જિલ્લાના દરેક ગામમાંથી ઓછામાં ઓછી એક દીકરી પોલીસમાં, એક ફોરેસ્ટ વિભાગમાં અને એક આર્મીમાં જોડાય. આ પ્રસંગે ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજના પ્રમુખ વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પ્રિન્સિપાલ કેતનભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા.