નરસિંહ મહેતા સરોવર ખાલીખમ - નેતાઓની તિજાેરી છલકાઈ ગઈ, કરોડોનાં ખર્ચની વાટ લાગી ગઈ

ચોમાસુ અડધું પુરૂં થઈ ગયું ૫રંતુ સરોવર એકવાર પણ ભરાયું નહીં- માથુ ફાડી નાંખતી દુર્ગંધ, મુલાકાતીઓની સંખ્યા ઘટી

નરસિંહ મહેતા સરોવર ખાલીખમ - નેતાઓની તિજાેરી છલકાઈ ગઈ, કરોડોનાં ખર્ચની વાટ લાગી ગઈ

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા અને કરોડોનાં ખર્ચે નવીનીકરણ થયેલા નરસિંહ મહેતા સરોવરની દિવસે ને દિવસે ખરાબ હાલત સર્જાઈ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. અડધું ચોમાસુ પુર્ણ થઈ ગયું છે. પરંતુ એકવાર પણ સરોવર ભરાયું નથી. જેના કારણે હાલ સરોવર ખાલીખમ પડયું છે અને તળાવમાં ગટરનાં રહેલા પાણીને  કારણે તળાદ દુર્ગંધ મારી રહયું છે. તળાવ ખાલી રહેવાના કારણે  અનેક સોસાયટીઓનાં પાણીના સ્તર નીચા ઉતરી ગયા છે. જેના કારણે આગામી સમયમાં સંબંધીત સોસાયટી વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાનો ભય ઉભો થવાની ભીતી વ્યકત થઈ રહી છે.
જૂનાગઢ શહેરનાં નરસિંહ મહેતા સરોવરને રમણીય બનાવી અને શહેરીજનોને સુંદર મજાના ફરવા લાયક સ્થળની ભેટ આપવાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. નરસિંહ મહેતા સરોવરને નવીનીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમ્યાન નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનાં પુરાવા સહીત આક્ષેપો પણ થયા છે. અને ભારે ચકચાર જગાવી હતી. જેમ તેમ  કરીને નરસિંહ મહેતા સરોવરનું કામ પુર્ણ કરી અને રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે નરસિંહ  મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  લોકાર્પણ સમયે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નરસિંહ મહેતા સરોવરમાં વધુ સુવિધા ઉભી કરવાની ટકોર પણ કરી હતી અને વધુ નાણાંની ફાળવણી પણ કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ આશરે રૂા.૭૦ કરોડનો ખર્ચ નરસિંહ સરોવરના નવીનીકરણમાં થયું છે. સરોવરનાં લોકાર્પણ કરાયા બાદ જૂનાગઢ શહેરનાં નગરજનો તેમજ બહારગામથી  આવતા લોકો પણ મોટી સંખ્યામાં સરોવરની મુલાકાતે આવતા રહયા છે. શરૂઆતનાં દિવસોમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી અપાતી હતી અને ત્યારબાદ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. અને ટીકીટ રાખવામાં આવી છે. લોકાર્પણ થયાનાં માત્ર  થોડા મહીનામાં જ નરસિંહ મહેતા સરોવરનાં વિવિધ કામગીરીનાં મુદા ઉઠવા લાગ્યા હતા. અને ચર્ચા જગાવી છે. હાલ ચોમાસાની સિઝન અંતિમ ચરણમાં છે છતાં  મેઘરાજા મન મુકીને વરસતા નથી. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો પપ.૬પ ટકાજ વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં કુલ ૧૮ ડેમ આવેલા છે. જેમાંથી ૧૧ ડેમમાં જળસપાટી ૩૦ ટકાથી પણ ઓછી છે.
આગામી દિવસોમાં મેઘમહેર નહીં થાય તો પાણીની અછત સર્જાવાનો ભય છે. આ સાથેજ જૂનાગઢનું નરસિંહ મહેતા  સરોવર હાલ ખાલીખમ છે. જેને લઈને અનેક સોસાયટી ખાસ કરીને ઓજી વિસ્તારમાં આવેલી સોસાયટીનાં પાણીનાં તળ ઉતરી ગયા છે. સરોવરમાં પાણી ન હોય તો ભારે મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે. દરમ્યાન મનપા વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવર શરૂઆતનાં ચોમાસાનાં પ્રારંભેજ ભરી લેવાની જરૂર હતી. ઉપરવાસનાં પાણી અને પ્રથમ વરસાદ દરમ્યાન પાટીયા ખોલી નખાયા હોત તો નરસિંહ મહેતા સરોવર પાણીથી ભરાઈ ગયું હોત. પરંતુ આ અગમચેતી રાખવામાં ન આવી અને જેને કારણે આજે સરોવર ખાલીખામ પડયું છે. તેમજ સરોવરમાં રહેલા ગટરના પાણીને કારણે સરોવર દુર્ગંધ મારી રહયું હોવાનું જણાવેલ છે. નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવતા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. સરોવર ખાલીખમ હોવાના કારણે અનેક સોસાયટીઓને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે તેવી ચિંતા વ્યકત કરવામાં  આવી રહી છે.