ચોમાસા બાદ આરોગ્ય વિભાગની ચેતવણી: ઉકાળેલું પાણી પીવો, મચ્છરજન્ય રોગોથી બચો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે જાહેર કરી ખાસ માર્ગદર્શિકા, 104 અને 108 સેવાઓનો ઉપયોગ કરવા અપીલ
જૂનાગઢ, તા. 31:
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન અને તાજેતરના ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જતાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નાગરિકો માટે ખાસ આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી છે. વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા, સુરક્ષિત પાણી પીવા અને રોગોના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી મોસમમાં પીવાના પાણીના સ્ત્રોત દૂષિત થવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી, કમળો અને કોલેરા જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. તેથી દરેક નાગરિકે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
વિભાગે પીવાનું પાણી હંમેશા ઉકાળીને ઠંડુ કર્યા બાદ જ પીવાની સલાહ આપી છે. જો પાણી ઉકાળવાની સુવિધા ઉપલબ્ધ ન હોય તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ક્લોરીનની ગોળીઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.
ખોરાકની બાબતમાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખોરાક હંમેશા ઢાંકીને રાખવો, વાસી અથવા ખુલ્લામાં રાખેલો ખોરાક ન ખાવો તેમજ રસ્તા પર ખુલ્લામાં વેચાતી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું. ભોજન પહેલાં અને શૌચાલય બાદ સાબુથી સારી રીતે હાથ ધોવાની ટેવ પણ રોગોથી બચવામાં મહત્વની સાબિત થાય છે.
મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જૂના ટાયર, ડબ્બા, કૂંડા, કુલર અથવા અન્ય કોઈપણ વાસણમાં પાણી એકઠું ન થવા દેવું. ઉપરાંત મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી અથવા પેટમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો સ્વઉપચાર કરવાના બદલે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.
આરોગ્ય વિભાગે નાગરિકોને કોઈપણ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન માટે 104 આરોગ્ય હેલ્પલાઈન તથા ઇમરજન્સી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો નિઃશુલ્ક ઉપયોગ કરવા અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે દરેક નાગરિકની સાવચેતી અને સ્વચ્છતા જ રોગચાળો અટકાવવાનો સૌથી અસરકારક ઉપાય છે.


