સાસણ ગીરની સફારીને મળ્યું એક અઠવાડિયાનું એક્સ્ટેન્શન, 22 જૂન સુધી સિંહ દર્શનનો લાભ

સાસણ ગીરની સફારીને મળ્યું એક અઠવાડિયાનું એક્સ્ટેન્શન, 22 જૂન સુધી સિંહ દર્શનનો લાભ

જૂનાગઢ તા.15
સાસણ ગીર અને રાજ્યના અન્ય અભયારણ્યોની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન બાદ ચોમાસાની ઋતુને કારણે જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું મોડું પડતાં વન વિભાગે સફારીનો સમયગાળો વધુ એક સપ્તાહ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
વન વિભાગના નિર્ણય અનુસાર હવે સાસણ ગીર સફારી પાર્ક સહિત રાજ્યના તમામ અભયારણ્યો 22 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. પરિણામે સિંહપ્રેમીઓને એશિયાટિક સિંહોને તેમના કુદરતી વસવાટમાં નિહાળવાની વધુ એક તક મળશે. 23 જૂનથી અભયારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં આવશે.
દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના ચોમાસાના ચાર મહિના દરમિયાન જંગલ માર્ગો અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સફારી બંધ રાખવામાં આવે છે. આ વર્ષે પણ 15 જૂનના અંતિમ સફારી સ્લોટ બાદ પાર્ક બંધ થવાનો હતો, પરંતુ વરસાદના વિલંબને કારણે સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓ અગાઉની જેમ જ ઓનલાઈન પરમિટ મેળવીને નક્કી કરાયેલા ત્રણ સફારી સ્લોટમાં જંગલ મુલાકાત લઈ શકશે. વન વિભાગના આ નિર્ણયથી સ્થાનિક હોટલ વ્યવસાય, જીપ્સી સંચાલકો, ગાઈડ્સ તેમજ પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વધારાના એક અઠવાડિયા દરમિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ગીરના જંગલોમાં સિંહ સહિતના વન્યજીવોના દર્શનનો લાભ લઈ શકશે.