જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત : ૩૦માંથી ર૩ બેઠકો ભાજપને, આપને ૭

જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત : ૩૦માંથી ર૩ બેઠકો ભાજપને, આપને ૭

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ જીલ્લા પંચાયતની ચૂંટણીનું બપોર સુધીમાં પરીણામ જાહેર થઈ જતાં ૩૦ બેઠકો પૈકી ભાજપને ર૩ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે જયારે કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. ફરી એકવાર જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત રહેશે. જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો માટેની અત્યંત રસાકસી ભરી ચૂંટણી જંગ ગત તા. ર૬ એપ્રિલનાં રોજ યોજાઈ હતી. સોરઠમાં અત્યંત મહત્વ ધરાવતી સ્થાનીક સ્વરાજની જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદારો વચ્ચે ત્રીપાંખીયો જંગ રહયો હતો અને જીલ્લા પંચાયતનું શાસન કબ્જે કરવા માટે રાજકીય પક્ષોએ ભારે જાેર લગાવ્યું હતું. આ દરમ્યાન ૩૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું મત ગણતરી કાર્ય હાથ ધરાતા એક પછી એક પરીણામો જાહેર કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર જૂનાગઢ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૩૦ બેઠકોમાંથી ર૩ બેઠકો મળી છે જયારે ૭ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. દરમ્યાન ભેસાણની બેઠક ઉપર ભાજપનાં દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની કારમી હાર થઈ છે. આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ ૧૭૦૦ મતોથી પરાજય આપ્યો છે. જયારે કણજા બેઠક ઉપર પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં અંગત ગણાતા પ્રવિણ ચાવડાની જીત થઈ છે જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. કેશોદ તાલુકાનાં મોટીઘસારી બેઠક પર ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે મતોની ટાઈ જાેવા મળી હતી આ પરિસ્થિતિમાં ચીઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આપનાં ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા બન્યા હતા.  અત્રે નોંધનીય છે કે, વિસાવદર વિધાનસભા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં આપનાં ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનો વિજય થયો હતો ત્યારબાદ જૂનાગઢ જીલ્લામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાનું રાજકીય વજન વધતું જતું હતું આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સ્થાપીત કરવા માટે જાેરશોરથી કામગીરી હાથ ધરાઈ હતી જેનું સીધુ પરીણામ જૂનાગઢ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં જાેવા મળ્યું છે.  દરમ્યાન આ લખાઈ છે ત્યારે જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ર૩ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે જયારે ૭ બેઠક આમઆદમી પાર્ટીને મળી છે. અને કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી અને કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે.