હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરની અપીલ

હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત
AI Image

જૂનાગઢ,તા. 31
જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. 
હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરે તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.
વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.