ટ્રમ્પે ફરી એકવાર કહ્યું, ‘રપ૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને તેમણે ભારત-પાકિસ્તાન યુધ્ધ અટકાવ્યું’

ટ્રમ્પે ફરી એકવાર કહ્યું, ‘રપ૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને તેમણે ભારત-પાકિસ્તાન યુધ્ધ અટકાવ્યું’

(એજન્સી)        વોશિંગ્ટન તા.૨૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે તેમણે બંને દેશોને ૨૫૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે તેમણે બંને દેશોને સ્પષ્ટ કહી દીધું હતું કે જો લડાઈ નહીં રોકાય, તો અમેરિકા તેમની સાથે વેપાર બંધ કરી દેશે. તેમના જણાવ્યા મુજબ, તેમની આ ચેતવણી બાદ ભારત અને પાકિસ્તાને ગોળીબાર બંધ કરી દીધો હતો.
ફ્લોરિડામાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયાર ધરાવતા દેશો છે. તેમણે બંને દેશોને કહ્યું હતું કે જો તેઓ લડાઈ ચાલુ રાખશે, તો અમેરિકા તેમના માલ પર ભારે ટેરિફ લગાવશે.
તેમણે દાવો કર્યો કે તેમની ચેતવણીથી બંને દેશો ખૂબ નારાજ થયા, પરંતુ તેમણે ગોળીબાર રોકી દીધો અને યુદ્ધ બંધ થઈ ગયું. ટ્રમ્પે કહ્યું, “યુદ્ધ દરમિયાન ૧૧ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. મેં તેને અટકાવ્યું છે અને આવું કરવું મારા માટે સન્માનની વાત છે.”
ભારતે સતત કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે. ભારત મુજબ, ઑપરેશન સિંદૂર દરમિયાન સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ ત્યારે બની, જ્યારે પાકિસ્તાનના સૈન્ય અભિયાન મહાનિર્દેશક (DGMO)એ સંપર્ક કરીને કાર્યવાહી રોકવાની માંગ કરી હતી.