જૂનાગઢમાં રસ્તાનાં ચાલતા કામોનું પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
જૂનાગઢ શહેરમાં શહેરીજનોને વધુ સારી માર્ગ સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના જી.આઈ.ડી.સી.-૨ ડાયવર્ઝન અને અંજલી બ્રિજ સામે તેમજ મજેવડી ગેઇટ થી હીરો શો - રૂમ સુધીનો સી.સી.રોડ તથા રેલ્વે સ્ટેશન થી ગાંધીચોક ખાતે રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. આ તમામ પ્રોજેક્ટની ગુણવત્તા અને કામગીરીની સમીક્ષા કરવા માટે તા.૨૩-૧૦-૨૦૨૬ના રોજ મેયર ધર્મેશ ડી. પોશીયા, કમિશનરશ્રી આઈ. આર. વાળા અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનર કે.સી.વાઘેલા તથા જયેશ પી.વાજા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમ્યાન આગામી સમયમાં શરૂ થનાર રોડ નિર્માણની કામગીરી બાબતે જરૂરી ચર્ચાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મહાનગર પાલિકા, જૂનાગઢના કાર્યપાલક ઈજનેર વિવેકભાઈ પંડ્યા, નાયબ કાર્યપાલક ઈજનેર કિશન રામાણી સહિતના સંબંધિત ઈજનેરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી. આ નવો રોડ બનવાથી આ વિસ્તારના વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને આવાગમનમાં મોટી રાહત મળશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે.


