સફાઈ કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો નિકાલ થયો છે : કમિશ્નર

સફાઈ કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો નિકાલ થયો છે : કમિશ્નર

જૂનાગઢ તા. ૧૧
જૂનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગઈકાલથી સફાઈ કર્મચારીઓ દ્વારા અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. અને સફાઈની કામગીરી ઠપ્પ થઈ છે. સફાઈ કર્મચારી યુનિયન દ્વારા વિવિધ માંગણીઓ સબબ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમ્યાન સફાઈ કર્મચારીઓનું જે આંદોલન ચાલી રહયું છે તે બાબતે મનપાનાં કમિશ્નર તેજસ પરમારે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓમાંથી કેટલીક માંગણીઓનો ઉકેલ આવ્યો છે. છેલ્લા બે માસ દરમ્યાન કેટલાક પ્રશ્નો હલ થયા છે. ખાસ કરીને હાજરી પુરાવાનો સમય સવારનો ૬.૩૦નો હતો તેના બદલે તેમની માંગણી મુજબ ૭નો કરવામાં આવ્યો છે. ૪ વખત હાજરી પુરાવામાંથી ૧ વખત હાજરી પુરાવાની બાબત ઘટાડવામાં આવી છે.  તેમજ સરકાર તરફથી વિવિધ વોર્ડ માટેની ગ્રાન્ટ મળે છે તે અન્વયે સફાઈ કર્મચારીનું સન્માન કરવાની કામગીરી પણ થાય છે. તેમજ સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છીક નિવૃતી જે માંગ છે અને કર્મચારી સ્વૈચ્છીક નિવૃત થયા બાદ પોતાનાં વારસદારને નોકરી રાખવાની માંગ કરે છે તે બાબતે પણ ર૦ર૧માં સરકારમાં રજુઆત કરવામાં આવી છે. ટુંકમાં અમુક પ્રશ્નો  એવા છે કે જેનો નિતી વિષયક નિર્ણય મનપા કક્ષાએથી થઈ શકે તેમ નથી. યુનીયન સાથે વાટાઘાટનાં પ્રયાસો ચાલી રહયા છે. ગેરહાજર રહેનાર સફાઈ કર્મચારીઓને શોકોઝ નોટીસ આપવામાં આવશે તેમજ ડોર ટુ ડોર વાહન દ્વારા કચરો લઈ જવામાં આવશે અને જેનાં કારણે સફાઈ વ્યવસ્થા ખોરવાશે નહી તેમ જણાવ્યું હતું.