જૂનાગઢમાં ‘મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘શ્રી અન્ન’ એ તંદુરસ્તી અને ખેડૂતોની સમૃદ્ધિનો આધાર
જૂનાગઢ તા.૨૧
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે બે દિવસીય મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો.
જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મેળામાં ૪૯ જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગતમિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ - વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઈટમ વગેરે પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ., આયુર્વેદ સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ , ગુજરાત સરકાર દ્રારા આયોજિત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પચાયત ખેતીવાડી શાખાના સંયુકત ઉપક્રમે આયોજિત મિલેટ મહોત્સવ’ અને ‘પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મંત્રી પ્રદ્યુમન વાજાએ ખુલ્લો મુકવાની સાથે સ્ટોલ્સધારકો પાસેથી તેમના ઉત્પાદનોની વિગત મેળવી હતી અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ અન્ન એટલે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર, આદિવાસી સમાજનો સત્કાર અને કેમિકલ મુક્ત ખેતીનો આધાર છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આપણાપરંપરાગત જાડા ધાન્ય માટે લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ ખોરાકને ‘દવા’ તરીકે સ્વીકારવો પડશે.
તેમણે ઉમેર્યુ હતુ કે, મિલેટ્સના ફાયદા અને વૈશ્વિક સ્વીકૃતિ મળતા વર્ષ ૨૦૨૩ને 'આંતરરાષ્ટ્રીય અન્ન વર્ષ' (International Year of Millets) તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં પણ વિશ્વ પણ મિલેટ્સની ઉપયોગિતા સ્વીકારી રહ્યું છે. મિલેટ્સના ફાયદાઓ વિશે જણાવતા કહ્યુ હતું કે, મિલેટસ ગ્લુટેન મુક્ત છે, જે પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ છે.તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.રાગી, બાજરી જેવા ધાન્યમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે.
ખેતીની દ્રષ્ટિએ મિલેટ્સ ઓછા પાણીમાં અને સૂકા વિસ્તારમાં પણ સરળતાથી ૧૦૦ દિવસમાં તૈયાર થઈ જાય છે, જે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ભારત વિશ્વમાં મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને તેના પ્રોત્સાહનથી નાના ખેડૂતોની આવકમાં વધારો થશે.
રાજય સરકાર દ્રારા પ્રાકૃ્તિક કૃષિને પ્રોત્સાહન માટે અનેક યોજનાઓ કાર્યરત છે. તાજેતરમા જ મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ જિલ્લા અને તાલુકાકક્ષાએ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી, ખેડૂતોને ટ્રેક્ટર સહાય જેવી વિવિધયોજનાઓમાં સહાય, તેમજ ગુજરાત સરકાર દ્વારા ૫૦૦ ગામોને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
તેમણે આ પ્રસંગે લોકોને આહવાન કરતા જણાવ્યુ હતું કે, આવનારી પેઢીને તંદુરસ્ત રાખવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આપણા દૈનિક આહારમાં મિલેટ્સને ફરીથી સ્થાન આપવું જોઈએ.
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યુ હતુ કે, રાસાયણિક ખેતીથી ઉત્પન્ન ખોરાકના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ આધારિત આહાર અપનાવવાથી સ્વસ્થ જીવન શક્ય બનશે. પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો થોડીક મોંઘા લાગતા હોવા છતાં લાંબા ગાળે હોસ્પિટલ ખર્ચ અને તંદુરસ્તની તુલનામાં ખૂબ સસ્તા અને લાભદાયી સાબિત થાય છે. સમાજમાં જાગૃતિ લાવવા માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા ૧૦ લોકોને પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે જોડાવા અને મિલેટસને દૈનિક આહારમા લેવા તેમજ બાળકોને બાજરી, રાગીના પીઝા આરોગતા શીખે એ માટે અનુરોધ કર્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે જેવું અન્ન, તેમું મન” મુજબ ખોરાકનો સીધો અસર સ્વાસ્થ્ય અને વિચાર પર પડે છે. પરંપરાગત આયુર્વેદીય આહાર પદ્ધતિમાં બાજરી, રાગી, કોદરી અને સાંબા જેવા જાડા ધાન્યનો સમાવેશ થતો હતો, જે આજના સમયમાં ફરી અપનાવવાની જરૂર છે.
તેમણે પશ્ચિમના ખોરાકના વધતા પ્રભાવને કારણે વધતી બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને મિલેટ્સ આધારિત આરોગ્યપ્રદ આહાર અપનાવવા અપીલ કરી. વર્ષ ૨૦૨૬ને ‘મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાના ઉલ્લેખ સાથે મિલેટ્સનાપ્રચાર-પ્રસારને વધુ વેગ આપવા પર ભાર મૂકયો હતો. તેમણે કાર્યક્રમ સ્થળે મિલેટ્સમાંથી બનેલી વિવિધ વાનગીઓના સ્ટોલ દ્વારા લોકોને જાગૃતિ આવશે તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા પણ મદદરૂપ બનશે.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે શાબ્દિક સ્વાગત કરી સર્વે મહાનુભાવો અને ઉપસ્થિતોને આવકાર્યા હતા.આ પ્રસંગે મંત્રીએ મિલેટ પાકનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈ કાળભાઈ આસોદરિયાનું સન્માન તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થી ચીનુભાઈ નાથાભાઈ સોજીત્રાને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ તકે મિલેટ બાસ્કેટ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નવીન પહેલ બદલ મંત્રીએ કમિશનર અને સમગ્ર ટીમને બીરદાવી હતી.સાથે જ મીલેટ મહોત્સવના સફળ આયોજન બદલ પણ અભિનંદન આપ્યા હતા.
કાર્યક્રમમા મિલેટ મહોત્સવની ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌ કોઈએ નિહાળી હતી.કાર્યક્રમમાં આભાર વિધિ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે કરી હતી.


