વિસાવદર વન વિભાગની કચેરીમાં ઝેરી દવા પી લેનાર માલધારીનું જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત

જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ જીલ્લામાં વનવિભાગની મેંદરડા રેન્જ હેઠળ આવતા જાંબુથાળા નેસમાં વસતા એક માલધારીએ વનવિભાગનાં કથિત ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ અંગે જાંબુથાળા નેસ ખાતે રહેતા મૃતકનાં પુત્ર સલમાનભાઈ સલીમભાઈ બ્લોચ મકરાણી ઉ.વ.રર રહે. જાંબુથાળા નેસ તા. વિસાવાદરએ પોલીસમાં ફરીયાદ દાખલ કરતા એવું જણાવેલ છે કે, આ કામનાં મરણજનાર સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ મકરાણી ઉ.વ.૪પ રહે. જાંબુથાળા નેસએ વન વિભાગ દ્વારા વારંવાર આપવામાં આવતી નોટીસનાં કારણે માનસીક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે. જે અંગે વિસાવદર પોલીસે આ બનાવમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૪ મુજબ નોંધ દાખલ કરી વિસાવદરનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.એન. સોનાર વધુ તપાસ ચલાવી રહયા છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૯ સપ્ટેમ્બરનાં રોજ આ ઘટના બની હતી જેમાં જાંબુથાળા નેસમાં રહેતા મૃતક સલીમભાઈ મકરાણીને વન વિભાગ દ્વારા ઢોર ચરાવવા અને મકાન ખાલી કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. વન વિભાગનાં કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈ અને તેમના ભાઈ હનીફભાઈ બ્લોચે વિસાવદર વન વિભાગની કચેરીમાં જ ઝેરી દવા પી લીધી હતી જેમને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પીલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ૧ૅ૦ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજયું હતું. સલીમભાઈનું મૃત્યુ થતાં વિસાવદર તેમજ મકરાણી સમાજનાં અગ્રણી જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા અને વન વિભાગનાં અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી જયાં સુધી દોષિત અધિકારી સામે એફઆઈઆર નોંધવામાં નહી આવે તેવું જણાવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી હોસ્પીટલ સંકુલમાં જ ધરણા પર બેસી ગયા હતા. મૃતક સલીમભાઈનાં પરીવારજનોએ પોલીસ તેમજ વન વિભાગનાં અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સલીમભાઈએ લખેલી સુસાઈડ નોટમાં વન વિભાગનાં અધિકારીનો ઉલ્લેખ કર્યો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ કારણે પરીવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. મૃતકનાં કુટુંબીજનોનાં જણાવ્યા અનુસાર વન વિભાગનાં અધિકારીઓ દ્વારા જાંબુથાળા નેસનાં માલધારીઓને એવા આરોપો સાથે ધમકાવતા હતા કે તેઓ બહારનાં પશુઓને જંગલમાં ચરાવવા માટે લાવે છે પરંતુ આ બાબતે સલીમભાઈએ પોતાની માલિકીનાં પશુઓ હોવાનું સોગંદનામુ કર્યા હોવા છતાં તેમને નોટીસ દ્વારા ધમકી આપવામાં આવતી હતી આ ત્રાસથી કંટાળીને મૃતકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પગલું ભર્યુ હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં મામલતદાર દ્વારા લેવામાં આવેલા ડાઈંગ ડીકલેરેશનમાં પણ મૃતકે વન વિભાગનાં અધિકારીઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવાય રહયું છે. આ અંગે મૃતકનાં મોટાભાઈ હનીફભાઈએ એવું જણાવેલ કે અમે સદીઓથી જાંબુથાળા નેસમાં વસવાટ કરીએ છીએ અને પશુપાલન કરી જીવન ગુજારીએ છીએ. જાંબુથાળા નેસનાં માલધારીઓએ વન વિભાગનાં જવાબદારી અધિકારીઓ સામે તત્કાલ કાર્યવાહી કરવા તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ ખાતે હાલમાં યોજાઈ રહેલ કોંગ્રેસ પક્ષની પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત કોંગ્રેસનાં આગેવાનો પણ મૃતકનાં પરીવારજનોને મળવા દોડી ગયા હતા અને પરીવારને સાંત્વનાં પાઠવી તેમની પડખે ઉભા રહેવાની ખાત્રી આપી હતી. કોંગ્રેસનાં નેતાઓએ ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરતા કહયું હતું કે સરકારની નિષ્ક્રીયતા અને અમલદારશાહીનાં કારણે એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવવો પડયો છે અને સરકાર માલધારી સમાજને ન્યાય અપાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.