જૂનાગઢમાં તા.24 થી 3 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકરનાં પ્રવચન

બીએપીએસ દ્વારા “માનવ ઉત્કર્ષ મહોત્સવ”માં અપૂર્વમુનિ સ્વામી માર્ગદર્શન આપશે

જૂનાગઢમાં તા.24 થી 3 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકરનાં પ્રવચન

જૂનાગઢ તા.22
જૂનાગઢ શહેરમાં તા. 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન બીએપીએસ સંસ્થા દ્વારા “માનવ ઉત્કર્ષ મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે આવેલ હવેલીના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ મહોત્સવમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય અપૂર્વમુની સ્વામીના પ્રભાવક વ્યાખ્યાનો યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સંસ્કાર, સમૃદ્ધિ અને સુખ-શાંતિનો સંદેશ પ્રસારે તેવો છે. સંસ્થાનો આ અભિગમ કોઈ સંપ્રદાયિક નહીં પરંતુ સામાજિક છે, જેમાં સમગ્ર સમાજના હિતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન પરિવારજીવન સાથે જોડાયેલા અનેક અગત્યના પ્રશ્નો પર માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારમાં વિખવાદ શા માટે ઊભા થાય છે, બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની સમસ્યાઓ શા માટે ઊભી થાય છે, તેમજ આજના સમયમાં મોબાઈલ અને ગેજેટ્સની અસરથી બાળકો કેમ ભટકી જાય છે જેવા પ્રશ્નોના ઉકેલો રજૂ કરવામાં આવશે.
સાથે જ પતિ-પત્ની વચ્ચેના મતભેદો, અહંકારના ટકરાવ અને ઘરેલુ શાંતિને અસર કરતા પરિબળો અંગે પણ સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે. પરિવારને સુખી, સંસ્કારી અને સમૃદ્ધ બનાવવાના માર્ગો વિશે વિશેષ માર્ગદર્શન આ વ્યાખ્યાનોમાં મળશે.
આ મહોત્સવમાં ભાગ લઈ પરિવાર સાથે જીવનમાં નવી દ્રષ્ટિ અને સકારાત્મકતા મેળવવાની તક મળશે. આયોજનકર્તાઓ દ્વારા શહેરના નાગરિકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.