મેંદરડા રોડ પરથી રૂા.1.20 લાખનો વિદેશી દારૂ અને વાહનો સાથે ૪ શખ્સો ઝડપાયા
કુલ રૂા.3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.28
જૂનાગઢ રેન્જ પોલીસે મેંદરડા રોડ પરથી ઈકો કાર અને એક્ટિવા બાઈક દ્વારા વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ તરફ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવી 720 બોટલ દારૂ સાથે 4 શખ્સોને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂ તેમજ જુગારની બદીને નાબૂદ કરવા માટે ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢનો ઇકબાલ ઉર્ફે લાંબો હાસમભાઇ પડાયા નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે મેંદરડા તરફથી એક્ટિવા પર પાયલોટિંગ કરી ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ તરફ લાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મેંદરડા રોડ પર વોચ ગોઠવીને આગળ પાયલોટિંગ કરતી ડબલ સવારી એક્ટિવા અને પાછળ આવતી ઈકો કારને અટકાવી હતી. ગાડીની તપાસ કરતા બાચકામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 710 બોટલો મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી ઇકબાલ ઉર્ફે લાંબો હાસમભાઇ પડાયા (ઉંમર 35, રહે. જોશીપુરા), અબ્દુલખાલીદ હસનભાઇ શેખ (ઉંમર 52, રહે. માંડવી ચોકી પાસે), ફેઝલ ઇનાયતખાન ગોપાંગ (ઉંમર 32, રહે. ઉપરકોટ) અને મુસેબ ઉર્ફે મુસા અબામેસન સુલેમાની આરબ (ઉંમર 27, રહે. કોલીવાડા) ની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.1,29,600ની કિંમતનો દારૂ, રૂ.2,00,000ની ઈકો કાર, રૂ. 50,000નું એક્ટિવા અને રૂ. 15,000ના 3 મોબાઈલ મળી કૂલ રૂ. 3,94,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


